ગુજરાતમા 2014મા પૂનમ માડમની સંપત્તિ માત્ર 17 કરોડ હતી, જે વધીને 2024મા 130 કરોડ થઈ ગઈ
ગુજરાતમાં સામાન્ય નાગરિક મોંઘવારી, બેરોજગારી અને ઓછી આવક સામે જીવનના બે છેડા ભેગા કરવા મથી રહયો છે ત્યારે સાંસદોની મુલકતોમાં વધારો થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. 2014 થી 2024 વચ્ચે ફરીથી ચૂંટાયેલા 102 સાંસદોની મિલકતમાં ચોંકાવનારો વધારો સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના વિશ્લેષણ મુજબ, આ સાંસદોની સરેરાશ મિલકત 2014માં ₹15.76 કરોડ હતી, જે 2024માં વધીને ₹33.13 કરોડ પહોંચી છે. એટલે કે માત્ર 10 વર્ષમાં 110 ટકાનો ઉછાળો નોંધાયો છે. એડીઆરના રિપોર્ટ મુજબ , સાંસદોની મિલકત 2014મા → સરેરાશ મિલકત: ₹15.76 કરોડ, 2019 → ₹24.21 કરોડ અને 2024 → ₹33.13 કરોડ થવા પામી છે.
એડીઆરના રિપોર્ટના ડેટા પ્રમાણે 2014થી લઈને 2024 એટલે કે 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં 17.36 કરોડનો વધારો થયો છે. 2014મા મિકલત 15.76 કરોડ હતી, જ્યારે 2024ની ચૂંટણી અનુસાર 33.13 કરોડ છે.

જામનગરના ભાજપના સાંસદ પૂનમબેન માડમ દેશભરમાં સંપત્તિ વધારાના મામલે બીજા સ્થાને છે. વર્ષ 2014મા પૂનમ માડમની સંપત્તિ માત્ર 17 કરોડ હતી, જે વધીને 2024મા 130 કરોડ થઈ ગઈ છે. પૂનમ માડમની સંપત્તિમાં 747 ટકાનો વધારો થયો છે. જ્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિમાં પણ મોટો વધારો થયો છે. વર્ષ 2014મા વિનોદ ચાવડાની સંપત્તિ 56 લાખ રૂપિયા હતી, જે વધીને 2024મા 7 કરોડ ઉપર પહોંચી ગઈ છે.બારડોલીના સાંસદ પ્રભુ વસાવાનું નામ સામેલ છે. 2014મા પ્રભુ વસાવાની સંપત્તિ 2 કરોડથી ઉપર હતી, જે 2024મા વધીને 4 કરોડ ઉપર પહોંચી ગઈ છે. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાંભોરની સંપત્તિમાં પણ છેલ્લા 10 વર્ષમાં વધારો થયો છે. 2014મા જસવંત સિંહની સંપત્તિ 2 કરોડ ઉપર હતી, જે 2024મા વધીને 4 કરોડ ઉપર પહોંચી છે.જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સંપત્તિ 2014મા 1 કરોડ ઉપર હતી, જે વધીને 3 કરોડ ઉપર પહોંચી ગઈ છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની સંપત્તિમાં પણ વધારો થયો છે. દેવુસિંહની સંપત્તિ 2014મા 1 કરોડ ઉપર હતી, જે વધીને 3 કરોડ ઉપર પહોંચી છે. કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની સંપત્તિમાં ઘટાડો થયો છે. 2014મા સીઆર પાટિલની સંપત્તિ 74 કરોડથી વધારે હતી, જે 2024મા ઘટીને 39 કરોડ થઈ છે. એટલે કે પાટિલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો છે.