Gujarat

હાઈટેન્શન વીજટાવર અંકલેશ્વર કીમ રૂટમાં બન્યો ‘વિલન

સુરત, ભરૂચ: લાખો કરોડો રૂપિયાના હાઈવે બનાવનાર હાઈવે ઓથોરિટી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરથી કીમનો રૂટ શરૂ કરવામાં એક સામાન્ય બાબતે ફેઈલ થઈ ગઈ છે. આ રૂટ પર એક હાઈટેન્શન વીજ લાઈનનો થાંભલો હાઈવે ઓથોરિટી ખસેડી શકી નહીં અને તેને કારણે આ રૂટ ખુલ્લો મુકાઈ શક્યો નથી. હવે આગામી તા.10મી તારીખની આસપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો અંકલેશ્વરથી કીમનો રૂટ શરૂ થશે તેવું જાણવા મળી રહ્યું છે. સંભવત: આ સાથે જ આ રૂટ પર ટોલનાકું પણ ચાલું કરી દેવામાં આવશે.

આમ તો, હાઈવે ઓથોરિટી દ્વારા પુનગામની જમીનના પ્રશ્નના ઉકેલ બાદ તા.31મી ડિસેમ્બર સુધીમાં અંકલેશ્વરથી કીમનો આ રૂટ શરૂ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હાઈટેન્શનલ લાઈનનો થાંભલો આ નિર્ણયમાં વેરી બન્યો છે. ટાવર મુખ્ય કેરેજવેના એલાઇનમેન્ટ પર કબજો કરે છે, તેથી હાઇવે સત્તાવાળાઓને કામચલાઉ ત્રણ-લેન રોડ બનાવીને ફરજિયાત ડાયવર્ઝન બનાવવાની ફરજ પડી છે. જે વાહનોને હાઇ-ટેન્શન સ્ટ્રક્ચરને બાયપાસ કરવાની મંજૂરી આપે છે. નોંધનીય છે કે, એક્સપ્રેસ વે ચાર-લેન કેરેજવે તરીકે બનાવવામાં આવ્યો છે જેમાં બંને બાજુ પાકા ખભા (4+4=8-લેન રોડ) છે. સામાન્ય રીતે 100 કિમી પ્રતિ કલાકથી વધુ ગતિ મર્યાદા ધરાવતા એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન આપવામાં આવતું નથી. જો કે, જો પૂરતી સાવચેતી રાખવામાં ન આવે તો આ કામચલાઉ વ્યવસ્થા સલામતી માટે જોખમો ઊભા કરી શકે છે. જેને લઈને ડાયવર્ઝનની આગળ સ્પીડ બ્રેકરનું બાંધકામ પણ થઇ શકે છે.

આ અવરોધો છતાં એક્સપ્રેસ વે પેકેજ કાર્યરત થવા માટે તૈયાર છે. પેવમેન્ટ ક્વોલિટી કોંક્રિટ (PQC) નાંખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ડિવાઈડર અને મેટલ બેરિયર્સનું સ્થાપન પૂર્ણ થવાના આરે છે. વધુમાં, કોસંબા નજીક રેલ્વે ઓવરબ્રિજ સંપૂર્ણપણે બનાવવામાં આવ્યો છે. કોરિડોર સાથે અંતિમ ફિનિશિંગ કામ હાલમાં ચાલી રહ્યું છે, જાહેર ઉપયોગ માટે રસ્તો તૈયાર કરવા માટે 100થી વધુ કામદારો તૈનાત છે. રસ્તાની સફાઈ અને માર્કિંગ તેમના અંતિમ તબક્કામાં છે.

હાઈટેન્શન થાંભલાને કારણે ડાયવર્ઝન આપીને અંકલેશ્વરથી કીમનો રૂટ શરૂ કરાશે: હાઈવે અધિકારી

આ મામલે હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અંકલેશ્વરથી કીમનો રૂટ તૈયાર છે પરંતુ વચ્ચે હાઈટેન્શન વીજલાઈનનો થાંભલો ખસેડી શકાયો નથી. હાઈવે ઓથોરિટી દ્વારા પ્રયત્નો કરાયા પરંતુ આ થાંભલો હટ્યો નહીં હોવાથી હવે ડાઈવર્ઝન આપીને અંકલેશ્વરથી કીમનો રૂટ શરૂ કરી દેવામાં આવશે. સંભવત: 10મી જાન્યુ.ની આસપાસ આ રૂટ શરૂ કરી દેવામાં આવશે.

હાઈટેન્શનનો થાંભલો આગામી દિવસોમાં ખસેડાશે ત્યારે બે દિવસ રૂટ બંધ કરાશે: હાઈવે ઓથોરિટી

આગામી દિવસોમાં હાઈટેન્શન લાઈન ખસેડવાની કામગીરી કરવામાં આવશે. હાલમાં ભલે અંકલેશ્વરથી કીમનો રૂટ શરૂ કરી દેવામાં આવ્યો હોય પરંતુ આ થાંભલો ખસેડવાની પ્રક્રિયા દરમિયાન એક-બે દિવસ અંકલેશ્વરથી કીમનો આ રૂટ બંધ કરવામાં આવશે તેમ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top