National

મહારાષ્ટ્ર: અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ રાજકીય ખેલ, કોંગ્રેસના 12 કાઉન્સિલર ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં સ્થાનિક રાજકારણમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. સ્થાનિક ગઠબંધન તૂટ્યા બાદ કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે. ગઈ કાલે બુધવારે મોડી રાત્રે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચૌહાણની હાજરીમાં આ તમામ કાઉન્સિલરોને કેસરિયા ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા.

આ કાઉન્સિલરોને અગાઉ કોંગ્રેસ પક્ષે ભાજપ સાથે સ્થાનિક સ્તરે ગઠબંધન કરવા બદલ પક્ષવિરોધી પ્રવૃત્તિના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્શન બાદ હવે તમામ 12 કાઉન્સિલરો ભાજપમાં જોડાતા અંબરનાથના રાજકારણમાં નવી સમીકરણો ઉભી થઈ છે.

શું હતો સમગ્ર વિવાદ?
અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી 20 ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. કુલ 60 બેઠકો ધરાવતી નગરપાલિકામાં શિવસેનાએ 27 બેઠકો જીતી હતી, જે બહુમતીથી માત્ર ચાર બેઠકો દૂર હતી. ભાજપે 14, કોંગ્રેસે 12 અને એનસીપીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા હતા.

સ્થાનિક સ્તરે સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને અજિત પવારની એનસીપીના નેતાઓએ સાથે મળી ‘અંબરનાથ વિકાસ આઘાડી’ (AVA) નામે ગઠબંધન રચ્યું હતું. જોકે, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભાજપની કટ્ટર વિરોધી ગણાતી કોંગ્રેસ દ્વારા ભાજપ સાથે હાથ મિલાવવાને કારણે પક્ષે આ નિર્ણયનો કડક વિરોધ કર્યો હતો અને તમામ 12 કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા હતા.

સત્તાનું ગણિત બદલાયું

હવે કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરો ભાજપમાં જોડાતા ભાજપની સંખ્યા નગરપાલિકામાં નોંધપાત્ર રીતે વધી છે. આ ઘટનાને કારણે શિવસેના માટે સ્થિતિ વધુ પડકારજનક બની છે અને અંબરનાથમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

સ્થાનિક રાજકારણમાં થયેલા આ મોટા ફેરફાર પર સમગ્ર રાજ્યની રાજકીય નજર ટકેલી છે.

Most Popular

To Top