National

ભારત–ફ્રાન્સના સોલર એલાયન્સથી અમેરિકા થયું અલગ, 66 વૈશ્વિક સંગઠનોને કહ્યું અલવિદા

અમેરિકાએ વૈશ્વિક રાજનીતિ અને પર્યાવરણ ક્ષેત્રમાં મોટો ઝટકો આપતો નિર્ણય લીધો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) સહિત કુલ 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી અમેરિકાનું સભ્યપદ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો ઉલ્લેખ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમમાં કરવામાં આવ્યો છે.

મેમોરેન્ડમ અનુસાર અમેરિકા 35 બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો અને 31 સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓમાંથી બહાર નીકળશે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે “પ્રમુખ ટ્રમ્પે 66 એવા આંતરરાષ્ટ્રીય સંગઠનો છોડવાનો નિર્ણય કર્યો છે. જે અમેરિકા વિરોધી, નકામા અથવા ફિઝૂલ ખર્ચાળ છે.” તેમણે કહ્યું કે અન્ય સંગઠનો અંગેની સમીક્ષા હજુ ચાલુ છે.

રુબિયોએ વધુમાં જણાવ્યું કે આ નિર્ણય પ્રમુખ ટ્રમ્પ દ્વારા અમેરિકન નાગરિકોને આપેલા વચનનો ભાગ છે. “અમે એવા વૈશ્વિક અમલદારોને સબસિડી આપવાનું બંધ કરીશું જે અમેરિકાના હિતોની વિરુદ્ધ કાર્ય કરે છે. ટ્રમ્પ પ્રશાસન હંમેશા અમેરિકા અને અમેરિકનોને પ્રથમ સ્થાન આપશે”

એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદેશ મંત્રીના અહેવાલ અને કેબિનેટ સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન એવું તારણ આવ્યું કે આ સંગઠનોમાં ભાગ લેવો અથવા તેમને નાણાકીય સહાય આપવી અમેરિકાના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડે છે. આથી તમામ સરકારી વિભાગો અને એજન્સીઓને આ સંગઠનોમાંથી અમેરિકાને વહેલી તકે બહાર કાઢવા તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ નિર્ણય હેઠળ બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનોમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA), ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)નો સમાવેશ થાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓમાં યુએન એનર્જી, યુએન પોપ્યુલેશન ફંડ, યુએન વોટર, ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

અમેરિકાના આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે પર્યાવરણ, ઊર્જા અને વિકાસ સંબંધિત પ્રયાસો પર તેની શું અસર પડશે, તે અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.

Most Popular

To Top