રોકડમાં ₹20 અને ઓનલાઇન પેમેન્ટ માટે ₹30 વસૂલાત, વીડિયો વાયરલ
(પ્રતિનિધિ), વડોદરા | તા. 8
વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં આવેલા મહોણી માતાજી મંદિર ખાતે પાર્કિંગના નામે ભક્તો પાસેથી ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મંદિર ખાતે દર્શન કરવા આવતા ભક્તો પાસેથી રોકડમાં ₹20 અને ઓનલાઇન પેમેન્ટ કરશો તો ₹30 વસૂલવામાં આવતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મહોણી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને રવિવાર અને તહેવારના દિવસોમાં અહીં ભારે ભીડ ઉમટી પડે છે. આવી સ્થિતિમાં કેટલાક બેફામ પાર્કિંગ સંચાલકો ભક્તોની મજબૂરીનો ફાયદો ઉઠાવી મનમાની વસૂલાત કરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. ભક્તોના જણાવ્યા મુજબ, કોઈ રસીદ આપવામાં આવતી નથી અને ભાવમાં સ્પષ્ટ ભેદભાવ રાખવામાં આવે છે—રોકડ સસ્તી અને ઓનલાઇન મોંઘી.
સ્થાનિક સૂત્રો મુજબ, આ પાર્કિંગ સ્ટેન્ડ યોગ્ય પરવાનગી વિના શરૂ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે અને ગ્રામ પંચાયત અથવા વહીવટી તંત્રને કોઈ ટેક્સ ચૂકવાતો નથી. આ મામલે ગ્રામ પંચાયત દ્વારા આંખ આડા કાન કરાતા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો એક જાગૃત ભક્તે પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યો છે, જેના બાદ વહીવટી તંત્રની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. મહીસાગર નદી કિનારે આવેલા આ મંદિરે દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી, પાર્કિંગ વ્યવસ્થા પારદર્શક અને નિયમસર કરવાની તાત્કાલિક માંગ ઉઠી છે.