(પ્રતિનિધિ), વડોદરા | તા. 8
વડોદરામાં ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચી ગયો છે. 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે મેચ યોજાવાની હોવાથી શહેરમાં સ્ટાર ક્રિકેટરોના આગમનથી ઉત્સાહ છવાયો છે. આ વચ્ચે વિરાટ કોહલીના એક ફેનની અડગ જીદ ચર્ચાનું કેન્દ્ર બની છે.
બુધવારે વડોદરા એરપોર્ટ પર ભારતીય તેમજ ન્યૂઝીલેન્ડની ટીમ પહોંચતા મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા. સ્ટાર ક્રિકેટરોની એક ઝલક જોવા માટે ધક્કામુક્કી સર્જાઈ હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર પણ ભાર આવ્યો હતો. હાલ તમામ ખેલાડીઓ વડોદરામાં રોકાયા હોવાથી ક્રિકેટ માહોલ વધુ ગરમાયો છે.
આ દરમિયાન મધરાત્રીએ વિરાટ કોહલી જ્યાં રોકાયા છે તે હોટલ બહાર વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતો ફેન અર્જુન વિરાટ કોહલીનો મોટો ફોટો લઈને પહોંચી ગયો હતો. તેણે જાહેરમાં જણાવ્યું કે, “જ્યાં સુધી વિરાટ સર આ ફોટા પર સાઇન નહીં આપે ત્યાં સુધી હું અહીંથી હલવાનો નથી.” અર્જુને વધુમાં કહ્યું કે વિરાટ કોહલી તેનો આઈડલ, મોટિવેશન અને ગુરુ છે. તેણે પોતાના નાનકડા દીકરાનું નામ પણ વિરાટ રાખ્યું હોવાનું જણાવ્યું.
પગમાં ઈજા હોવા છતાં લાકડીના સહારે ઊભા રહીને અર્જુને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. “મારા મિત્રો ચાલ્યા જાય તો પણ હું એકલો અહીં ઊભો રહીશ,” એવી તેની જીદે વિરાટ કોહલી પ્રત્યેના ફેન્સના જુસ્સાને ફરી એકવાર ઉજાગર કર્યો છે.