દાહોદ: દાહોદ જિલ્લામાં દારૂબંધીના કહેવાતા કડક અમલ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાહોદ ગ્રામ્ય વિસ્તારમાં રળિયાતી હોળી આંબા ફળિયામાં પ્રોહિબિશન રેડ દરમિયાન બુટલેગરો દ્વારા પોલીસ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ જમાદાર ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ ગ્રામ્ય પોલીસ બાતમીના આધારે પ્રોહિબિશન રેડ કરવા ગઈ હતી. રેડ દરમિયાન સ્થળ પર હાજર બુટલેગરો દ્વારા અચાનક પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ જમાદારના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
હુમલો કરી બુટલેગરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા ડીવાયએસપી જગદીશ ભંડારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં દારૂબંધીના અમલ દરમિયાન અગાઉ પણ પોલીસ પર હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ બનાવે ફરી એકવાર બુટલેગરોની હિંમત અને કાયદો-વ્યવસ્થાને પડકાર આપતી સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે