Vadodara

વડોદરા : દરિયાઈ ભેજ સાથેના પવનથી ઠંડીનો ચમકારો

લઘુત્તમ તાપમાન 14.6°C નોંધાયું, દિવસની ગરમી પણ ઘટી
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
દરિયાઈ પવનોના પ્રભાવને કારણે વડોદરા શહેરમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન 27.6°C જ્યારે લઘુત્તમ તાપમાન 14.6°C નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ 85% અને સાંજે 59% નોંધાયું, જેના કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ.
હિમાલય વિસ્તારમાં થઈ રહેલી ભારે હિમવર્ષાની અસરથી ઠંડા પવન ફૂંકાતા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સામાન્ય રીતે જાન્યુઆરીમાં તાપમાન 10°C સુધી ઉતરી જાય છે, પરંતુ ચાલુ વર્ષે દરિયાઈ પવનોની અસરથી લઘુત્તમ પારો 13થી 15°C વચ્ચે રહેતો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન પણ તાપમાન 28°Cથી નીચે નોંધાતા બપોરે સામાન્ય ગરમીનો અનુભવ ઓછો રહ્યો.
હવામાન નિષ્ણાતોના મતે, એન્ટી-સાયકલોનિક પરિસ્થિતિના કારણે હિમાલય તરફથી આવતા ઉત્તરના પવન પૂર્વ દિશામાં વળી દરિયાનું ભેજ લઈને આવી રહ્યા છે. આ ભેજભર્યા પવનથી ઠંડી વધુ ચમકતી જણાઈ રહી છે. સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાલી રહેલી શીતલહેરની અસર મધ્ય ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.
નિષ્ણાતોનું અનુમાન છે કે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 13°Cની આસપાસ રહેવાની શક્યતા છે, જેના કારણે વહેલી સવાર અને મોડી સાંજમાં ઠંડી યથાવત્ રહેવાની સંભાવના છે.

Most Popular

To Top