ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પરિવારમાં ખુશીની લહેર છે. સચિનના પુત્ર અર્જુન તેંડુલકર જલ્દી જ લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો મુજબ અર્જુન તેંડુલકર અને તેની મંગેતર સાનિયા ચાંડોકના લગ્ન IPL 2026 શરૂ થાય તે પહેલા માર્ચ મહિનામાં યોજાવાની શક્યતા છે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને તેંડુલકર પરિવાર લગ્નની ખુશીમાં વ્યસ્ત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જુન અને સાનિયાએ ઓગસ્ટ 2025માં ખાનગી રીતે સગાઈ કરી હતી. આ કાર્યક્રમમાં ફક્ત પરિવારના નજીકના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે આ સંબંધને તેઓ લગ્ન દ્વારા આગળ વધારવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ લગ્નની વિધિઓ 3 માર્ચથી શરૂ થવાની ધારણા છે. જ્યારે મુખ્ય લગ્ન સમારોહ 5 માર્ચ 2026ના રોજ યોજાશે.
અર્જુન તેંડુલકર તાજેતરમાં IPLમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ છોડ્યા બાદ તેને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમે પોતાના સ્ક્વોડમાં સામેલ કર્યો છે. IPL શરૂ થાય તે પહેલા અર્જુન પોતાના અંગત જીવનમાં આ મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યો છે.
સાનિયા ચાંડોક મુંબઈના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. કહેવાય છે કે સાનિયા લાંબા સમયથી તેંડુલકર પરિવારની નજીક રહી છે અને બંને પરિવારો વચ્ચે સારા સંબંધો છે.
આ લગ્ન અંગે સચિન તેંડુલકરે પણ પુષ્ટિ કરી છે. એક સેશન દરમિયાન ચાહકે અર્જુનની સગાઈ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં સચિને કહ્યું હતું “હા, અર્જુન સગાઈ કરી ચૂક્યો છે અને અમે બધા તેના જીવનના આ નવા અધ્યાય માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છીએ.”
લગ્ન સમારોહ સંપૂર્ણ રીતે ખાનગી રાખવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈમાં યોજાનારા આ લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતના કેટલાક પસંદગીના લોકો જ હાજરી આપશે.