વડોદરામાં વિઝા બનાવી આપવાના બહાને ₹29.77 લાખની ઠગાઈ
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરા શહેરમાં વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઓસ્ટ્રિયા, નોર્વે અને ફિનલેન્ડના બે વર્ષના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને એક ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ચલાવતા દંપતીએ કુલ ₹29.77 લાખ પડાવી લીધા બાદ ઇટલી ભાગી ગયાનો બનાવ નોંધાયો છે. મુંબઈ ખાતે કરાવેલી વેરિફિકેશનમાં આપેલા જોબ ઓફર લેટર ડુપ્લીકેટ નીકળતા સમગ્ર ઠગાઈ બહાર આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, છાણી જકાતનાકા પાસે એકતાનગરમાં રહેતા દિનેશભાઈ દીપકભાઈ શર્મા (ઉ.વ. 40) મેનપાવર સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવેમ્બર–2024માં તેઓ ગેંડા સર્કલ પાસે આવેલી વેસ્પર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસે ગયા હતા, જ્યાં કંપનીની પ્રોપ્રાઇટર પૂજા રાજ પ્રભાકર અને તેના પતિ રાજ પ્રભાકર (ડિરેક્ટર તરીકે ઓળખાવ્યા)એ ચારથી છ મહિનામાં વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી હતી. પ્રતિ વ્યક્તિ ₹4 લાખ ખર્ચ જણાવાયો હતો.
વિશ્વાસમાં આવી દિનેશભાઈએ પોતાના 12 ગ્રાહકોની ફાઇલ સોંપી અને તબક્કાવાર ₹22.67 લાખ કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા. સાથે જ મિત્ર સૈયદ જુનેદ અલી ઇકરામઅલી (રહે. ગોઠડા, તા. સાવલી)ના ગ્રાહકો વતી ₹7.10 લાખ ચૂકવાયા. આમ કુલ ₹29.77 લાખ એજન્ટ દંપતીને અપાયા.
બાદમાં ગ્રાહકોને આપેલા નોર્વે અને ઓસ્ટ્રિયાના જોબ ઓફર લેટર મુંબઈની એમ્બેસીમાં વેરિફિકેશન માટે રજૂ કરતાં બધા જ ઓફર લેટર ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું, જેના કારણે વિઝા અરજીઓ નામંજૂર થઈ. પૈસા પરત માંગતા એક મહિનાની મુદત બતાવી બાદમાં દંપતી ઓફિસ બંધ કરી ઇટલી ફરાર થઈ ગયાનું સ્ટાફ દ્વારા જણાવાયું.
આ મામલે દિનેશભાઈ શર્માએ ગોરવા પોલીસ સ્ટેશનમાં પૂજા રાજ પ્રભાકર અને રાજ પ્રભાકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.