World

વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને 50 મિલિયન બેરલ તેલ આપશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે વેનેઝુએલાની વચગાળાની સરકારે અમેરિકાને 50 મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાનું ક્રૂડ ઓઈલ સોંપવા માટે સંમતિ આપી છે. આ જાહેરાત વેનેઝુએલાની વચગાળાની સરકારના વડા ડેલ્સી રોડ્રિગ્ઝના શપથ ગ્રહણના બીજા જ દિવસે કરવામાં આવી છે. જે બંને દેશો વચ્ચે બદલાતા સંબંધોની નિશાની તરીકે જોવામાં આવી રહી છે.

ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે આ તેલ બજાર ભાવ પર વેચવામાં આવશે અને તેની આવક પર પોતાનું નિયંત્રણ રહેશે. તેમના જણાવ્યા મુજબ આ રકમનો ઉપયોગ અમેરિકા તેમજ વેનેઝુએલાના નાગરિકોના કલ્યાણ માટે કરવામાં આવશે. ટ્રમ્પે આ યોજના ઝડપથી અમલમાં મૂકવા માટે અમેરિકાના ઉર્જા સચિવ ક્રિસ રાઈટને સૂચના આપી દીધી છે. યોજના અનુસાર તેલને સ્ટોરેજ જહાજો મારફતે સીધું અમેરિકાના બંદરો સુધી લાવવામાં આવશે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આ તેલનું ઉત્પાદન પહેલેથી થઈ ચૂક્યું છે અને તે બેરલમાં સંગ્રહિત છે. હાલ મોટાભાગનું તેલ જહાજોમાં રાખવામાં આવ્યું છે. જેને રિફાઇનિંગ માટે મેક્સિકોના અખાતમાં આવેલી અમેરિકન રિફાઇનરીઓમાં મોકલવામાં આવશે.

ટ્રમ્પની આ જાહેરાત બાદ તરત જ અમેરિકન તેલના ભાવમાં અસર જોવા મળી છે. ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ લગભગ 1 ડોલર એટલે કે અંદાજે 2 ટકા ઘટીને 56 ડોલર સુધી પહોંચી ગયા છે.

જોકે ઊર્જા નિષ્ણાતોનું માનવું છે કે આ પગલાથી પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના ઓછી છે. અગાઉ 2022માં અમેરિકાએ મોટા પ્રમાણમાં તેલ રિલીઝ કર્યું હતું. તેમ છતાં પેટ્રોલના ભાવમાં મર્યાદિત જ ઘટાડો થયો હતો. જેથી આ નિર્ણયથી ગ્રાહકોને માત્ર આંશિક રાહત મળવાની શક્યતા છે.

Most Popular

To Top