સ્કૂલ વાહનો અને હજારો રાહદારીઓ માટે જીવલેણ છટકું: વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
વડોદરા: શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વહીવટી તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વડોદરાના અટલાદરાથી ખિસકોલી સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગ પર ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં હોવાથી નાગરિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અટલાદરા અને ખિસકોલી સર્કલને જોડતા આ વ્યસ્ત માર્ગ પર ગટરના ઢાંકણા તૂટેલી અથવા ખુલ્લી હાલતમાં છે. આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ ખુલ્લી ગટર વાહનચાલકો અને રાહદારીઓ માટે દેખાતી નથી, જે ગંભીર અકસ્માત સર્જી શકે છે.

આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે, જેમાં સ્કૂલ બસ, રિક્ષા અને ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. થોડા સમય અગાઉ માંજલપુરમાં બનેલી અકસ્માતની ઘટનાને યાદ કરીને લોકો અત્યારે ફફડાટ અનુભવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, “અમે મૌખિક અને વીડિયોના માધ્યમથી તંત્રને અનેકવાર જાણ કરી છે, પરંતુ પરિસ્થિતિ જસની તસ છે.”
લોકો સવાલ કરી રહ્યા છે કે શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? શું આ ખુલ્લી ગટરોને ઢાંકવા માટે કોઈ ચોક્કસ મુહૂર્તની જરૂર છે? આગામી દિવસોમાં જો કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની રહેશે? હાલમાં નાગરિકોની એક જ માંગ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતને ગંભીરતાથી લે અને તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરે.