પાલિકાએ ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક થતા હોવાની ફરિયાદને આધારે મોડી રાત્રે વિઝિટ કર્યા બાદ આજે રેસ્ટોરન્ટને તાળા માર્યા
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને લાલ આંખ કરવામાં આવી છે. મુજમહુડા વિસ્તારમાં આવેલી ‘સ્પિરિટ ઓફ ઈન્ડિયા’ મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ અને કેફેને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સીલ કરી દેવામાં આવી છે. પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી જગ્યાનો અન્ય વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અકોટા બ્રિજથી મુજમહુડા તરફ જતી રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટ સામે અવારનવાર ટ્રાફિક જામની ફરિયાદો ઉઠતી હતી. રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોના વાહનો જાહેર રોડ પર પાર્ક થતા હોવાથી સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ફરિયાદોના આધારે કોર્પોરેશનના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ગૌરવ પટેલ અને તેમની ટીમે ગત રાત્રે સ્થળ તપાસ કરી હતી, જેમાં પાર્કિંગની ગંભીર અવ્યવસ્થા જોવા મળી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રેસ્ટોરન્ટના પ્લાન મુજબ જે જગ્યા પાર્કિંગ માટે રાખવાની હતી, ત્યાં સંચાલકોએ એમ્યુનિટીઝના નામે ગાર્ડન અને ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવી દીધા હતા. આ ઉપરાંત પાર્કિંગ એરિયામાં ફેસિલિટી કેબિન પણ મૂકવામાં આવ્યા હતા. આ નિયમભંગ બદલ ટાઉન પ્લાનિંગ શાખાએ આજે સવારે રેસ્ટોરન્ટ સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં નહીં આવે, ત્યાં સુધી આગળની કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં.

બીજી તરફ, રેસ્ટોરન્ટના સંચાલકો આશય ગાંધી અને મનીષ શર્માએ કોર્પોરેશનની આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે પાર્કિંગ માટે વધારાનો સ્ટાફ અને સિક્યુરિટી રાખ્યા છે અને વડોદરામાં કદાચ જ કોઈ રેસ્ટોરન્ટ આટલી સારી રીતે પાર્કિંગ મેનેજ કરતી હશે. અમે જમીન માલિકો સાથે વાત કરી છે અને આ બાબતે ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવાની પ્રક્રિયા ચાલુ છે. સરકારી પ્રક્રિયામાં થતા વિલંબના કારણે અમારા ધંધાને નુકસાન થઈ રહ્યું છે.”
કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટના સંચાલકોને અગાઉથી જાણ કરવામાં આવી હોવાથી, આજે સવારે કોઈ પણ પ્રકારના વિવાદ વગર સીલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં આ રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરના અન્ય રેસ્ટોરન્ટ અને કેફે સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.