National

BMC ચૂંટણી પહેલા મોટો ખેલ, ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં BMC ચૂંટણી પહેલા એક આશ્ચર્યજનક વળાંક સામે આવ્યો છે. ‘કોંગ્રેસ-મુક્ત ભારત’નો નારો આપનારી ભારતીય જનતા પાર્ટીએ થાણે જિલ્લાના અંબરનાથ નગર પરિષદમાં સત્તા મેળવવા માટે સીધા વિરોધી પક્ષ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. આ અનોખા ગઠબંધનનો મુખ્ય હેતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને સત્તાથી દૂર રાખવાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અંબરનાથ નગર પરિષદમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી (અજિત પવાર જૂથ)એ મળીને ‘અંબરનાથ વિકાસ અઘાડી’ નામે નવું ગઠબંધન રચ્યું છે. કુલ 32 કાઉન્સિલરોના ટેકાથી આ ગઠબંધન બહુમતી સુધી પહોંચ્યું છે. તેમાં ભાજપના 14, કોંગ્રેસના 12 અને એનસીપીના 4 કાઉન્સિલરો સામેલ છે. આ ગઠબંધનના જોરે ભાજપના તેજશ્રી કરંજુલ મેયર પદે વિજયી બન્યા છે. બીજી તરફ શિવસેના (શિંદે જૂથ)એ આ જોડાણને ‘અભદ્ર ગઠબંધન’ ગણાવી ભાજપ પર દગો આપવાનો આરોપ મૂક્યો છે.

‘કોંગ્રેસ-મુક્ત ભારત’ના નારા પર સવાલ
આ ઘટનાને લઈ શિંદે જૂથના ધારાસભ્ય ડૉ. બાલાજી કિનીકર અને સાંસદ શ્રીકાંત શિંદેએ ભાજપ પર કડક પ્રહારો કર્યા છે. કિનીકરે કહ્યું કે “એક તરફ કોંગ્રેસ-મુક્ત ભારતની વાત અને બીજી તરફ સત્તા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન આ ભાજપનું બેવડું વલણ દર્શાવે છે.” જોકે ભાજપના ઉપાધ્યક્ષ ગુલાબરાવ કરંજુલ પાટીલે આ આરોપોને ફગાવતા જણાવ્યું કે શિંદે જૂથ સાથે લાંબા સમયથી ચર્ચા છતાં સહકાર ન મળતાં આ નિર્ણય લેવો પડ્યો.

શ્રીકાંત શિંદેએ કહ્યું કે આ ગઠબંધન અંગે જવાબ ભાજપે જ આપવો જોઈએ. અંબરનાથમાં બનેલા આ નવા સમીકરણથી મહાયુતિમાં તણાવ વધ્યો છે અને BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રનું રાજકારણ વધુ ગરમાવાની શક્યતા દેખાઈ રહી છે.

Most Popular

To Top