બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને મોટો ઝટકો લાગ્યો છે. આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે પોતાની મેચો ભારતની બહાર યોજવાની જે માગણી કરી હતી. તેને ICCએ ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ICCએ સ્પષ્ટ કરી દીધું છે કે બાંગ્લાદેશે ભારતમાં જ મેચ રમવી પડશે નહીં તો પોઈન્ટ ગુમાવવાનો જોખમ રહેશે.
આ વિવાદ IPLમાંથી બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમમાંથી બહાર કરાયા બાદ શરૂ થયો હતો. BCCIના દબાણ બાદ KKRએ મુસ્તફિઝુરને ટીમમાંથી બહાર કર્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપમાં ભારત આવવાનો ઈનકાર કરતાં પાકિસ્તાન જેવી રીતે પોતાની મેચો તટસ્થ દેશમાં યોજવાની માગ કરી હતી.
ICCનું વલણ શું છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર ICCએ BCBને જણાવ્યું છે કે સુરક્ષા સંબંધિત કોઈ કારણસર મેચો ભારત બહાર ખસેડવાની જરૂર નથી. ICCએ કહ્યું છે કે ટૂર્નામેન્ટનું આયોજન પહેલેથી નક્કી થયેલા શેડ્યૂલ મુજબ જ થશે. જો બાંગ્લાદેશ ટીમ ભારત આવીને મેચ નહીં રમે, તો તેને વોકઓવર અથવા પોઈન્ટ ગુમાવવાનો સામનો કરવો પડી શકે છે.
BCBએ આ નિર્ણય પર શું કહ્યું?
જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તેમને હજુ સુધી ICC તરફથી તેમની માગ ફગાવાઈ હોવાની કોઈ જાણકારી મળી નથી. BCBના અધિકારીઓ મુજબ આ મામલે હજી ચર્ચા ચાલુ છે.
શું વિવાદ હતો?
મુસ્તફિઝુર રહેમાનને IPL મીની હરાજીમાં KKRએ 9.20 કરોડમાં ખરીદ્યો હતો. જોકે ભારતમાં બાંગ્લાદેશ સામે વધતા વિરોધ અને બાંગ્લાદેશમાં થયેલી હિંસાના મુદ્દા બાદ રાજકીય અને સામાજિક દબાણ વધ્યું હતું. તેના પરિણામે KKRએ મુસ્તફિઝુરને ટીમમાંથી બહાર કર્યો હતો. જેના કારણે બાંગ્લાદેશમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
હાલની સ્થિતિ મુજબ ICCના નિર્ણય બાદ બાંગ્લાદેશ માટે વિકલ્પો સીમિત રહ્યા છે અને તેને T20 વર્લ્ડ કપ માટે ભારત આવવું જ પડશે એવી શક્યતા વધુ છે.