નકલી ચલણી નોટોથી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ, ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
ભારતના અર્થતંત્રને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા નકલી ચલણી નોટો બજારમાં પ્રવેશ કરાવવામાં આવતી હોવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજા બનાવમાં વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી એક્સિસ બેંકના કેશ ડિપોઝિટ મશીન (CDM)માં રૂ.500 દરની 17 નકલી નોટો જમા કરાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે બેંક અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક્સિસ બેંક શાખાના બલ્ક કેશ પોઈન્ટ ઇન્ચાર્જ સમીરકુમાર વિનોદકુમાર પંચોલી દ્વારા નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, તા. 1 જાન્યુઆરીની રાત્રે નિઝામપુરા શાખાના CDMમાં રાજપુરોહિત વિક્રમસિંહ ઇંદ્રસિંહ (રહે. સ્વામિનારાયણ નગર, નિઝામપુરા, છાણી રોડ, વડોદરા) દ્વારા કુલ રૂ.44,500 જમા કરાવવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ નોટો મશીને ખરાબ ગણાવી પરત કરી દીધી હતી, જ્યારે રૂ.500ની 17 નોટો CDMના URJB બોક્સમાં જમા થઈ ગઈ હતી. પરિણામે ગ્રાહકના ખાતામાં માત્ર રૂ.34,500 જ જમા થયા હતા.
બાદમાં તા. 3 જાન્યુઆરીએ બેંકના વેન્ડર હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસિસના કર્મચારી જૈનીલ શાહે CDMમાંથી કેશ કાઢતા આ 17 નોટો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ નોટોને મુખ્ય ઓફિસ મારફતે સુભાનપુરા શાખામાં લાવવામાં આવી હતી. નોટો પર “Counterfeit Bank Note Impounded”નો સ્ટેમ્પ, તારીખ તથા બેંક અધિકારીઓની સહી કરવામાં આવી છે. દેખાવમાં નોટો પર હિન્દી અને અંગ્રેજીમાં “ભારતીય રિઝર્વ બેંક”, “પાંચ સો રૂપિયા” અને “Reserve Bank of India” જેવા શબ્દો છાપેલા હોવા છતાં મશીને તેને નકલી તરીકે ઓળખી લીધી હતી.
આ સમગ્ર મામલે બેંક અધિકારીઓએ નકલી નોટો ક્રાઈમ બ્રાન્ચમાં જમા કરાવી ખાતેદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ 5 કરતાં વધુ નકલી નોટો મળી આવે તો કાયદેસરની કાર્યવાહી ફરજિયાત છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ વ્યક્તિના નિવેદન લેવા સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.