Business

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026: વિચારો, સંવાદ અને સંસ્કૃતિનો ત્રિદિવસીય મહોત્સવ

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું આયોજન આવતી તા. 9થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે.

આ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ એક્ટિવિટીસ યોજાશે. તેમાં પેનલ ચર્ચાઓ, કી-નોટ સેશન, યુવા સંવાદ, પુસ્તક ચર્ચા, નીતિ અને સમાજ પર ચર્ચા, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. દેશના અગ્રણી વિદ્વાનો, નીતિનિર્માતા, રક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો, પત્રકારો, લેખકો, શિક્ષણવિદો અને ફિલ્મ જગતના પ્રતિનિધિઓ આ ચર્ચાઓમાં ભાગ લેશે.

પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં સ્વામી પરમાત્માનંદજી, ડો. ભગ્યેશ ઝા, શ્રી કિશોર મકવાણા અને શ્રી રત્નાકરજી હાજરી આપશે. આ દિવસે સાંજે લોક અને શાસ્ત્રીય નૃત્ય સાથે સાંસ્કૃતિક સંધ્યા યોજાશે.

બીજા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા, ટેકનોલોજી, મીડિયા, ધર્મ અને યુવા પેઢી, તેમજ સિનેમા અને ભારત@2047 જેવા વિષયો પર ચર્ચાસત્રો યોજાશે. મેજર જનરલ શશી અસ્થાના, વાઇસ એડમિરલ શેખર સિન્હા, દુષ્યંત શ્રીધર, વિષ્ણુ શંકર જૈન, પ્રતિક ગાંધી અને ફિલ્મ નિર્દેશક સુદીપ્ત સેન આ સત્રોમાં ભાગ લેશે.

ત્રીજા દિવસે મહિલા શક્તિ 2047, રાજનીતિ 2047, શિક્ષણ અને સમાજ, તેમજ ભારતના ભવિષ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા થશે. તેહસીન પૂનાવાલા, અજીત ભારતી, પ્રદીપ ભંડારી, મેઘના પંત, પ્રોફેસર એમ. જગદીશ કુમાર અને રામલાલજી જેવા મહેમાનો ઉપસ્થિત રહેશે.

ફેસ્ટિવલનું ખાસ આકર્ષણ અભિનેતા પ્રતિક ગાંધી દ્વારા રજૂ થનારી નાટ્યપ્રસ્તુતિ રહેશે. સાથે સાથે ‘Rhythms of India’ હેઠળ વિવિધ લોક અને શાસ્ત્રીય કલાઓ રજૂ કરવામાં આવશે.

આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો, સંશોધકો, મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકો ભાગ લઈ શકશે. વધુ માહિતી, સંપૂર્ણ કાર્યક્રમ અને નોંધણી માટે www.srtlitfest.com પર તપાસ કરવું.

Most Popular

To Top