અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને પકડવા માટેના ઓપરેશન બાદ દેશનો વહીવટ સંભાળવાની જાહેરાત કરતા, ચીને સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પને વેનેઝુએલાના તેલથી દૂર રહેવા આગ્રહ કર્યો છે. આ સતત ત્રીજો દિવસ હતો કે જ્યારે ચીને વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે નિવેદન આપ્યું હોય. શનિવારે વહેલી સવારે હુમલો થયો ત્યારથી ચીન આ મામલે સતત નિવેદનો કરી રહ્યું છે અને અમેરિકાને વખોડી રહ્યું છે.
અગાઉ તેણે અમેરિકાના હુમલાને આંતરરાષ્ટ્રીય ધોરણોનો ભંગ ગણાવ્યો હતો પરંતુ ઓઇલ અંગે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ છેવટે સોમવારે તેણે ક્રૂડ ઓઇલનો ઉલ્લેખ કરી નાખ્યો છે. વેનેઝુએલાના ઓઇલ ફિલ્ડોમાં ચીનનું મોટું રોકાણ છે અને તેથી સ્વાભાવિક જ વેનેઝુએલના ઓઇલ ક્ષેત્રનું હાલ અમેરિકા સંચાલન કરશે એવા પ્રમુખ ટ્રમ્પે કરેલા ઉચ્ચારણથી તે અકળાયું લાગે છે.
ચીન દ્વારા આ અપીલ ત્યારે કરવામાં આવી છે જ્યારે પકડાયેલા વેનેઝુએલાના નેતાને ‘નાર્કો-ટેરરિઝમ’ ના આરોપો હેઠળ સોમવારે સવારે ન્યૂયોર્કની કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. અમેરિકી પ્રમુખે હુમલા પછી થોડા જ સમયમાં ખુલાસો કર્યો હતો કે અમેરિકન તેલ કંપનીઓ ત્યાં ‘જશે અને આ સિસ્ટમનું પુનઃનિર્માણ કરશે’. તેમણે વેનેઝુએલાના વિશાળ અને મોટાભાગે વણવપરાયેલા તેલના ભંડારો પર નિયંત્રણ મેળવવાની યોજનાનો સંકેત આપ્યો હતો.
વેનેઝુએલાના સાથી એવા ચીને સપ્તાહના અંત દરમિયાન થયેલા આ ઓપરેશનની સખત નિંદા કરી હતી અને માદુરો તથા તેમની પત્ની સિલિયા ફ્લોરેસને તરત જ મુક્ત કરવાની માંગ કરી હતી, અને ત્યારબાદ અમેરિકાને વેનેઝુએલાના તેલથી દૂર રહેવા કહ્યું છે. રશિયાએ પણ તેના સાથી માદુરોને મુક્ત કરવાની માંગ કરી છે. યુએન સુરક્ષા પરિષદમાં રશિયાના દૂત વાસિલી નેબેન્ઝ્યાએ જણાવ્યું હતું કે કારાકાસમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે કોઈ પણ વાજબી કારણ નથી. ચીન અને રશિયા બંને વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોના ટેકેદાર રહ્યા છે.
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ ચીન વૈશ્વિક પ્રભાવ વધારવાની નવી તકો શોધી રહ્યું હોવા છતાં, બેઇજિંગની તાત્કાલિક પ્રાથમિકતા તેના આર્થિક હિતોની રક્ષા કરવાની છે, તેમ વિશ્લેષકો કહે છે. શનિવારે રાત્રે થયેલા સૈન્ય હુમલા પર ચીને તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી અને આઘાત તથા નિંદા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બેઇજિંગે અમેરિકાને હાંકી કઢાયેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને મુક્ત કરવા હાકલ કરી હતી, અને વોશિંગ્ટનને વાતચીત દ્વારા કટોકટીનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી.
ત્યારબાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન સોમવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ચીન વેનેઝુએલાની સરકાર સાથે સકારાત્મક સંવાદ અને સહયોગ જાળવી રહ્યું છે અને તેલની નિકાસ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તેની ઈચ્છા યથાવત રહેશે, પછી ભલે પરિસ્થિતિ ગમે તે રીતે બદલાય. તેમણે ઉમેર્યું હતું કે વેનેઝુએલામાં ચીની હિતોને કાયદા હેઠળ સુરક્ષિત કરવામાં આવશે. બેઇજિંગ સ્થિત થિંક ટેન્ક ‘સેન્ટર ફોર ચાઇના એન્ડ ગ્લોબલાઇઝેશન’ના રિસર્ચ ફેલો ઝિચેન વાંગે જણાવ્યું હતું કે, વેનેઝુએલા પર અમેરિકાનો હુમલો ચીનને વિશ્વમાં “સ્થિરતા માટેના બળ” તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરે છે.
પરંતુ વાંગે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ બેઇજિંગ માટે ચિંતા જગાવે છે કારણ કે વેનેઝુએલામાં ચીનનું મોટું રોકાણ જોડાયેલું છે. તેમણે કહ્યું, ભવિષ્યમાં આ બાબત કેવી રીતે આગળ વધે છે તે પણ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે ચીનના ત્યાં ઘણા વ્યાવસાયિક હિતો છે, તેમણે વધુમાં ઉમેર્યું કે આ અનિશ્ચિતતાની અસર સમગ્ર લેટિન અમેરિકા અને તે બહારના ચીની વ્યવસાયો પર પણ પડી શકે છે.
બેઇજિંગે છેલ્લા બે દાયકામાં લેટિન અમેરિકામાં નોંધપાત્ર પગપેસારો કર્યો છે. અમેરિકા સ્થિત રિસર્ચ ફર્મ રોડિયમ ગ્રુપ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, ચીની કંપનીઓએ, જેમાંથી મોટાભાગની સરકારી માલિકીની છે, છેલ્લા બે દાયકામાં વેનેઝુએલામાં 4.8 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. મોટાભાગના સોદા વૈશ્વિક નાણાકીય કટોકટી પછીના દાયકામાં — અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝના શાસનના અંતિમ વર્ષો દરમિયાન — ઉર્જા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને થયા હતા. સરકાર સંચાલિત ઓઇલ જાયન્ટ ‘ચાઇના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન’ તેના વેનેઝુએલાના સમકક્ષ ‘પેટ્રોલિયોસ ડી વેનેઝુએલા’ સાથે સંયુક્ત સાહસ ધરાવે છે.
ઓગસ્ટમાં ખાનગી માલિકીની ‘ચાઇના કોનકોર્ડ રિસોર્સિસ કોર્પોરેશન’ એ વેનેઝુએલાના પ્રોજેક્ટમાં 1 અબજ ડોલરથી વધુ રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી, જેનો લક્ષ્યાંક 2026 ના અંત સુધીમાં દરરોજ 60,000 બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરવાનો છે. રેનમિન યુનિવર્સિટી ઓફ ચાઇનાના વરિષ્ઠ સંશોધક ડોંગ શાઓપેંગે જણાવ્યું હતું કે, ચીની નાગરિકો અને ચીની કંપનીઓની સુરક્ષા બેઇજિંગની ટોચની પ્રાથમિકતા છે. આથી જો અમેરિકા વેનેઝુએલાના ઓઇલ ફિલ્ડો પર કબજો જમાવવાનો પ્રયાસ કરે તો તેનાથી ચીન સાથે તેને સંઘર્ષ ઉભો થઇ શકે છે.