Kalol

કાલોલ : જમીન વિવાદમાં લાકડાના દંડા અને લોખંડના ધારિયાથી હુમલો

વેજલપુર ઢોલા તલાવડી નજીકની ઘટના, બે ઈસમો સામે ફરિયાદ નોંધાઈ
(પ્રતિનિધિ), કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે ઢોલા તલાવડી નજીક જમીનના મુદ્દે ઉગ્ર ઝઘડો થતાં લાકડાના દંડા અને લોખંડના ધારિયાથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઢોલા તલાવડી નજીક તળાવની પાર આવેલા ખેતર વિસ્તારમાં ચતુરભાઈ નાયક સાથે મંગાભાઈ બાબુભાઈ પટેલ અને જયેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. ઝઘડો વધતાં મંગાભાઈ હાથમાં લાકડાનો ડંડો અને જયેશભાઈ લોખંડનું ધારિયું લઈને આક્રમક બન્યા હતા.
ફરિયાદી અરવિંદભાઈએ પોતાના પિતાને મારતા રોકવા માટે “મારા પિતાને કેમ મારો છો?” એમ પૂછતાં આરોપીઓએ “તારા પિતા અમારા ખેતરમાંથી લાકડા કાપે છે” એમ કહી વધુ ઉગ્રતા દાખવી હતી. ત્યારબાદ જયેશભાઈએ લોખંડનું ધારિયું ચતુરભાઈના ડાબા પગના થાપાના ભાગે મારી દેતા ચામડી ફાટી ગઈ અને ભારે રક્તસ્રાવ થયો હતો. સાથે જ મંગાભાઈએ લાકડાના ડંડાથી અરવિંદભાઈ પર પણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચતુરભાઈને દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં જમીન અને સીમા સંબંધિત વિવાદો કેટલા ગંભીર સ્વરૂપ લઈ શકે છે તે દર્શાવે છે

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top