કોપર કોઇલ અને એલ્યુમિનિયમ બોબીન ઉઠાવી ગયા તસ્કરો, બે શખ્સ CCTVમાં કેદ
વડોદરા | તા. 6
વડોદરાના મંજુસર GIDC વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં મોડી રાત્રે મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. બારીની ગ્રીલ તોડી બે અજાણ્યા તસ્કરો કંપનીમાં ઘુસ્યા હતા અને કોપરની કોઇલ તેમજ એલ્યુમિનિયમના બોબીન સહિત કુલ રૂ. 6.72 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના કંપનીમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
આ મામલે કારેલીબાગ વિસ્તારમાં અધ્યાપકનગરમાં રહેતા સુરેશચંદ્ર બોદનલાલ જૈને ફરિયાદ નોંધાવી છે. તેઓ વર્ષ 2010થી મંજુસર GIDCમાં આવેલી NJA Industries Private Limited કંપની ચલાવે છે. છેલ્લા બે વર્ષથી અલીન્દ્રા ગામની સીમમાં કંપનીનું બીજું યુનિટ શરૂ કરાયું છે, જ્યાં ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદન માટે કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ, ઓઇલ અને વિવિધ પ્રકારના ઇન્સ્યુલેશન મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે.
ફરિયાદ મુજબ, 15 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે સવા એક વાગ્યાના સમયે બે તસ્કરો યુનિટ-2ના વાઇન્ડીંગ એરીયાની પાછળ આવેલી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશતા CCTVમાં નજરે પડે છે. બાદમાં તેઓ વાઇન્ડીંગ એરીયામાંથી કોપરની કોઇલ નંગ 13, કોપરની પ્લાસ્ટિક બોબીન નંગ 7 તેમજ એલ્યુમિનિયમના બોબીન નંગ 8 ચોરી કરતાં જોવા મળે છે.
બીજા દિવસે ચકાસણી દરમિયાન કુલ કોપરની કોઇલ અને પ્લાસ્ટિક બોબીન નંગ 20 (કિંમત રૂ. 6 લાખ) તથા એલ્યુમિનિયમ બોબીન રૂ. 72 હજાર મળી કુલ રૂ. 6.72 લાખના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યું હતું. આસપાસ તપાસ છતાં ચોરાયેલો માલ મળ્યો ન હતો.
ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસે CCTV ફૂટેજના આધારે બંને તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.