Vadodara

જરોદ પાસે બોલેરો પીકઅપ અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત, એકનું સ્થળ પર મોત

વડોદરા શહેર અને જિલ્લામાં અકસ્માતોની વણઝાર યથાવત

(પ્રતિનિધિ) વડોદરા, તા. 6
વડોદરા શહેર અને જિલ્લામાં એક બાદ એક માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય બની છે. બેફામ ઝડપ અને માર્ગ પરની બેદરકારીના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક વધુ હૃદયદ્રાવક ઘટના આજે વડોદરા–હાલોલ રોડ પર જરોદ પાસે સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, જરોદ નજીક બોલેરો પીકઅપ વાન અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો પીકઅપ વાન આગળથી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઘટનામાં વાનનો ડ્રાઈવર અને ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ડ્રાઈવર ને સામાન્ય ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલો યુવક વાહનમાં ફસાઈ જતા ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ બનાવને પગલે ફરી એકવાર વડોદરા–હાલોલ રોડ પર માર્ગ સલામતી, વાહનની ઝડપ નિયંત્રણ અને ટ્રાફિક નિયમોના કડક અમલની જરૂરિયાત ઉપર ભાર મૂકાયો છે.

Most Popular

To Top