મકરપુરાની કંપનીમાં નોકરી કરતા યુવક સહિત 4 મિત્રોને લાયસન્સ કઢાવી આપવાનું કહી ઠગે રૂપિયા 28 હજાર ખંખેર્યા, દોઢ વર્ષ ઉપરાંત નો સમય થઈ ગયો છતાં લાયસન્સ નહીં આપતા રૂપિયા પરત માંગે તો ધમકી આપી
વડોદરા તા.6
મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક તથા તેની કંપનીમાં નોકરી કરતા અન્ય 3 સહ કર્મચારીને લાઇસન્સ કઢાવી આપવાનું કહીને ઠગ એજન્ટ રૂપિયા 28 હજાર પડાવી લીધા હતા. પરંતુ કોઈ લાયસન્સ બનાવી આપ્યું ન હતું રૂપિયાની માંગણી કરતા એજન્ટ યુવકોને ધમકી આપતો હતો. જેથી એજન્ટ વિરુદ્ધ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભેજાબાજો દ્વારા લોકો પાસેથી રૂપિયા પડાવવા માટેના નુસખા અપનાવવામાં આવતા હોય છે. ત્યારે હવે લાઇસન્સ કઢાવી આપવાના બહાને ચાર યુવકો પાસેથી ઠગે રૂપિયા ખંખેરી લીધા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં એવી વિગત છે કે વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં રહેતા પરેશભાઈ પુનમભાઈ વસાવા મકરપુરા જીઆઈડીસીમાં આવેલી આલ્મોડા કંપનીમાં છેલ્લા નવ વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરે છે. તેની પાસે ટુ વ્હીલરનું લાઇસન્સન ન હોય તેને સાથે ઘણા વર્ષોથી નોકરી કરતા મુકેશભાઈ બારીયાને અગાઉ વાત કરી હતી. ત્યારે મુકેશભાઈ બારીયાએ જો તારે બાઈકનું લાયસન્સ કઢાવવું હોય તો મે જેને મારા લાયસન્સનું કામ આપ્યું છે તે તારા લાયસન્સનું કામ પણ કરી આપ. દરમિયાન વિશાલ પટેલ યુવકની કંપનીની ગેટ બહાર આવ્યો હતો ત્યારે મુકેશ ભાઇએ લાયસન્સ કઢાવવા માટે વિશાલ પટેલ સાથે પ્રથમ વખત મને મુલાકાત કરાવી હતી .
ત્યારથી યુવક આ વિશાલ પટેલને ઓળખે છે, ત્યારે તેણે યુવકને જણાવ્યું હતું કે જો તારે લાયસન્સ કઢાવવું હોય તો તેના રૂપીયા 7 હજાર થશે. જેથી યુવકે વિશાલ પટેલ પર વિશ્વાસ રાખીને તેને લાયસન્સ કઢાવવા માટેના રૂ.7 હજાર વર્ષ 2024માં ઓનલાઈન દ્વારા ગાયત્રી નામના વ્યક્તિના એકાઉન્ટમાં વિશાલ પટેલે ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ઘણા દિવસ પછી એજન્ટનો સંપર્ક કરી લાયસન્સ બાબતે વાત કરતા તે ફોન ઉપાડતો ન હતો અને ફોન ઉપાડ્યો ત્યારે તેની પાસે લાયસન્સ કાઢી આપ્યું ન હોય રૂપિયાની પરત આપવા માંગણી કરતા ધમકી આપી થોડા દિવસમાં લાયસન્સ આવી જશે તેવી ખોટેખોટા વાયદા કર્યા હતા. જેથી એજન્ટે આજદીન સુધી લાયસન્સ કઢાવી આપ્યુ નથી અને રૂ.7 હજાર પણ પરત નહીં આપી છેતરપીડી કરી છે.
ઉપરાંત યુવકે તપાસ લાયસન્સ કઢાવવા બાબતે યુવક સાથે નોકરી કરતા મુકેશભાઈ બારીયાના રૂ.10 હજાર, કમલેશ કોલીના રૂ.4 હજાર, હસમુખભાઈ પરમાર રૂ.7 હજાર ઠગ એજન્ટ વિશાલ પટેલે લીધા હતા. આમ યુવક સહિત ચાર લોકો પાસેથી રૂપિયા 28 હજાર લાયસન્સ કઢાવવા માટે પડાવી લીધા હતા પરંતુ લાયસન્સ કઢાવી આપ્યું નથી. જેથી તેની રૂપિયા પરત માંગતા એજન્ટે મુકેશભાઈ તથા હસમુખભાઈને વિશાલ પટેલે ગાળો સાથે ધમકી આપી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઠગ એજન્ટ વિશાલ પટેલ ( રહે. મકરપુરા ગામ વડોદરા) વિરૂદ્ધ યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથધરી છે.