બાંધકામ મટીરીયલથી અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવા આદેશ



વડોદરા શહેરમાં હાલમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અલગ-અલગ 9 જેટલા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સોમવારે સવારથી જ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેઓ કોઈ પણ પૂર્વ સૂચના વગર અધિકારીઓના કાફલા સાથે ખોડિયાર નગર વિસ્તારમાં નિર્માણાધીન ઓવરબ્રિજની મુલાકાતે પહોંચતા કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કમિશનરે સ્થળ પર પહોંચીને બ્રિજના બાંધકામમાં વપરાતા મટીરીયલ અને કામની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. આ સાથે જ તેમણે એન્જિનિયરો પાસેથી બાકી રહેલા કામોની વિગતો મેળવી હતી અને બ્રિજ ક્યારે કાર્યરત થશે તે અંગેની સમયમર્યાદાની પણ જાણકારી મેળવી હતી.
સોમવારે વહેલી સવારથી જ કમિશનર પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી આવતા કોર્પોરેશનના અન્ય વિભાગોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. ખોડિયાર નગર બાદ અન્ય બ્રિજોની કામગીરીમાં પણ વેગ આવવાની શક્યતા છે. કમિશનરની આ આકસ્મિક મુલાકાતને પગલે હવે કોન્ટ્રાક્ટરો દ્વારા કામમાં વધુ ગંભીરતા દાખવવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.
– લોકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા…
નિરીક્ષણ દરમિયાન કમિશનરે માર્ગ પર પડેલા બાંધકામના સામાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્થળ પર હાજર અધિકારીઓને સૂચના આપી હતી કે:
*રોડ પર પડેલા મટીરીયલના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવી.
*વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે રીતે કામગીરીનું આયોજન કરવું.
*સલામતીના સાધનો અને આડશો વ્યવસ્થિત રીતે મુકવા.
”શહેરમાં કુલ 9 ઓવરબ્રિજના કામો પ્રગતિ હેઠળ છે, જેમાંથી 6 બ્રિજની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. અમારો ઉદ્દેશ્ય છે કે ગુણવત્તાયુક્ત કામ સમયસર પૂર્ણ થાય જેથી નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે.” – મ્યુનિસિપલ કમિશનર