Singvad

કેસરપુર ચોકડી પાસે રેતીના ડમ્પરે બાળકને કચડી નાંખ્યો, સ્થળ પર જ મોત

પીપલોદ–સીંગવડ માર્ગ પર હૃદયદ્રાવક અકસ્માત

સિંગવડ:;પીપલોદથી સીંગવડ તરફ આવતાં સિંગવડ તાલુકાના કેસરપુર ગામની ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ડમ્પરના ચાલકે ઝડપમાં વાહન ચલાવતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે રસ્તે ચાલતા એક બાળકને ડમ્પર ચડી જતાં સ્થળ પર જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, રેતીના ડમ્પર (નં. GJ-23-W-5099)ના આગળના તથા પાછળના ટાયરો બાળક પર ફરી વળતાં બાળક લવાર દિવ્યાંશ કુમાર ચંદ્રસિંહ, રહેવાસી ઝરોલા,નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રણધીપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. રણધીપુર પોલીસ સ્ટેશનના જમાદાર ઘટના સ્થળે પહોંચી રેતી ભરેલું ડમ્પર કબ્જે કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યારે મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પીપલોદ–સીંગવડનો આ ડામર રોડ નવો બન્યા બાદ અવારનવાર અહીં અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. સ્થાનિક લોકો દ્વારા કેસરપુર ચોકડી પર બમ્પ મૂકવા અથવા સર્કલ બનાવવાની માંગ વારંવાર કરવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમમાં પણ આ અંગે અરજી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં અકસ્માતોની શ્રેણી યથાવત રહી છે.
આ દુર્ઘટનાને પગલે ફરી એકવાર સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને કેસરપુર ચોકડી પર તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણ માટે બમ્પ અથવા સર્કલ બનાવવાની જોરદાર માંગ ઉઠી છે.

રિપોર્ટર: કલ્પેશ શાહ, સિંગવડ

Most Popular

To Top