પ્રિયા સિનેમાથી ભાયલી રોડ પર ગમખ્વાર ઘટના,પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ), વડોદરા. તા. 5
વડોદરા શહેરના પ્રિય સિનેમાથી ભાયલી તરફ જતા માર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા જેનો નંબર GJ 06 SG 2140 પર સવાર એક 20 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવતીનું નામ નેત્રા વ્યાસ હોવાનું સામે આવ્યું છે. નેત્રા વ્યાસ પોતાનું એક્ટિવા લઈને પ્રિય સિનેમા અને ભાયલીને જોડતા માર્ગ પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોની ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં થયો, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ માર્ગ પર વાહનોની ગતિ અને ટ્રાફિકનું નિયમન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે.