એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પુરાવા આધારે અરજી ફગાવી
કાલોલ:
કાલોલ તાલુકાના એક ગામની પરણિતાએ પોતાના પતિ જયપાલસિંહ ભગવાનસિંહ પરમાર તેમજ સાસુ-સસરા અને દિયર સામે વર્ષ 2022માં ઘરેલુ હિંસા તથા માસિક ભરણપોષણની અરજી કરી હતી. અરજદારે આક્ષેપ કર્યો હતો કે લગ્નના શરૂઆતના ત્રણ મહિના બાદ તેને શંકાના આધારે ત્રાસ આપવામાં આવ્યો, માતા-પિતાથી વાત કરવા રોકવામાં આવી, મારપીટ કરવામાં આવી અને માર્ચ 2021માં પહેરેલા કપડાંમાં ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી.
આ મામલે સામાવાળા પક્ષે એડવોકેટ પી.એમ. શેખ દ્વારા દલીલ કરવામાં આવી કે અરજદારના નરેન્દ્ર નામના વ્યક્તિ સાથે આડા સંબંધો છે અને તેના કારણે તે સાસરીમાં રહેવા ઇચ્છતી નહોતી. સામાવાળાએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મારફતે પતિને ધમકીઓ અપાવવામાં આવી હતી તથા શારીરિક સંબંધોના વિડિઓ મોકલવામાં આવ્યા હતા, જે અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
કોર્ટમાં ઉલટ તપાસ દરમિયાન અરજદારે સ્વીકાર્યું હતું કે તે નરેન્દ્ર સાથે કોર્ટમાં હાજર છે અને નરેન્દ્ર દ્વારા પતિને અશ્લીલ ગાળો મોકલાઈ હતી. તેમજ પતિની આવક અંગે કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો. સામાવાળા તરફે પેન ડ્રાઈવમાં 65-B સર્ટિફિકેટ સાથે રજૂ કરાયેલ વિડિઓ અંગે અરજદારે કોઈ ઇનકાર કર્યો ન હતો. ઉપરાંત અરજદારે સ્વીકાર્યું કે તેણે છૂટાછેડા માટે પણ અરજી કરી છે.
તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈ કાલોલ કોર્ટના એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એસ.એસ. પટેલે નોંધ્યું કે અરજદાર ઘરેલુ હિંસાની ભોગ બન્યાનું સાબિત થતું નથી અને તે પોતાની ઇચ્છાથી પિયરમાં રહે છે. હાલની અરજી માત્ર છૂટાછેડા મેળવવાના હેતુથી કરાયેલી હોવાનું જણાઈ આવતા કોર્ટ દ્વારા અરજદારની અરજી નામંજુર કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.