કમિશનરે ખુદ નાગરિકોને ફોન કરી ફરિયાદોનું સ્ટેટસ જાણ્યું; સફાઈ અને દબાણ મુદ્દે કડક સૂચનાઓ આપી
વડોદરા :;મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે વહેલી સવારે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરના વોર્ડ નંબર 13 અને 14ની કચેરીમાં તેઓએ કોઈ પણ પૂર્વ સૂચના વગર ઓચિંતી મુલાકાત લેતા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. કમિશનરની આ મુલાકાતથી સુસ્ત વહીવટી તંત્રમાં ગરમાવો આવી ગયો હતો.

મુલાકાત દરમિયાન કમિશનરે વહીવટી કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. તેઓએ ઓફિસમાં રહેલી ફરિયાદ બુકની રેન્ડમ ચકાસણી હાથ ધરી હતી અને તેમાં નોંધાયેલી ફરિયાદોના આધારે કેટલાક નાગરિકોને સ્થળ પરથી જ જાતે ફોન કર્યા હતા. કમિશનરે નાગરિકો પાસેથી સીધો ફીડબેક મેળવ્યો હતો કે તેમની સમસ્યાઓ હલ થઈ છે કે કેમ? મોટાભાગના નાગરિકોએ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

વોર્ડ ઓફિસના અધિકારીઓ સાથે બેઠક યોજી કમિશનરે વિસ્તારમાં ચાલતી સફાઈ ઝુંબેશ અને ગેરકાયદેસર દબાણો મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓએ સફાઈ કામગીરીમાં વધુ અસરકારકતા લાવવા અને જનતાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં કામ કરવાના કડક નિર્દેશ આપ્યા હતા. કમિશનરના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક નગરસેવકો પણ તાબડતોબ વોર્ડ ઓફિસ દોડી આવ્યા હતા.

તપાસ દરમિયાન વોર્ડ ઓફિસમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળ્યો હતો. ઓફિસમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાનું ધ્યાન પર આવતા કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી, જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના જગ મંગાવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત કચેરીમાં મચ્છરોનો ઉપદ્રવ જણાતા તાત્કાલિક ફોગિંગ મશીન બોલાવી દવા છાંટવાની કામગીરી પણ હાથ ધરાવી હતી.

કમિશનર ‘એક્શન મોડ’માં: જ્યારે સીધા નાગરિકને ફોન જોડાતા અધિકારીઓના જીવ અધ્ધર થયા!…
વોર્ડ નં. 13-14ની કચેરીમાં જ્યારે મ્યુનિસિપલ કમિશનરે અચાનક એન્ટ્રી કરી, ત્યારે સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. માત્ર હાજરી પૂરીને સંતોષ માનવાને બદલે કમિશનરે ફરિયાદ રજીસ્ટર ખોલ્યું અને રેન્ડમલી નંબર પસંદ કરી નાગરિકોને ફોન જોડ્યા. “હું મ્યુનિસિપલ કમિશનર બોલું છું, તમારી સમસ્યા હલ થઈ?” – આ પ્રશ્ન સાંભળીને અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, સદનસીબે નાગરિકોએ હકારાત્મક પ્રતિસાદ આપતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ઓફિસમાં પીવાના પાણી અને મચ્છરોના ત્રાસ જેવી પાયાની ખામીઓ પણ કમિશનરની નજરમાંથી બચી શકી નહોતી.