જે દેશના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કેદ કર્યા છે તે દેશ વેનેઝુએલા વર્તમાનમાં તે દરરોજ આશરે નવ લાખ બેરલ તેલની નિકાસ કરે છે. ચીન તેનો સૌથી મોટો ખરીદનાર દેશ છે. જોકે અમેરિકન આકલન મુજબ વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો પ્રમાણિત ક્રૂડ ઓઈલનો ભંડાર છે, પરંતુ રિપોર્ટ કહે છે કે વેનેઝુએલા તેનો ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) અનુસાર, ટેકનિકલ અને બજેટરી પડકારોને કારણે 2023માં વેનેઝુએલાએ વૈશ્વિક ક્રૂડ ઓઈલનું માત્ર 0.8% ઉત્પાદન કર્યું હતું.
અમેરિકી ઉર્જા વિભાગના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે 2019માં રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પર પ્રતિબંધો લગાવ્યા હતા. આ પછી વેનેઝુએલાની કાચા તેલની નિકાસમાં અડધાથી વધુનો ઘટાડો થયો હતો. જાન્યુઆરી 2019માં જ્યાં તેલની નિકાસ દરરોજ આશરે 11 લાખ બેરલ હતી, તે વર્ષના અંત સુધીમાં ઘટીને આશરે 4.95 લાખ બેરલ રહી ગઈ હતી. છ વર્ષ પછી પણ આ પ્રતિબંધો લાગુ છે. પરંથુ ખાનગી રીતે જોઇએ તો વેનેઝુએલાની તેલ નિકાસ ફરી વધીને નવેમ્બર સુધીમાં દરરોજ અંદાજે 9.2 લાખ બેરલ થઈ ગઈ છે. જોકે, આ 1998માં દેશના સૌથી વધુ એટલે કે દરરોજ 30 લાખ બેરલ કરતા ઘણું ઓછું છે.
પરંતુ આ આંશિક સુધારા પરથી ખબર પડે છે કે વેનેઝુએલા પર લાદવામાં આવેલા અમેરિકી પ્રતિબંધો તેની અપેક્ષા મુજબ કામ કરી રહ્યા નથી. એવું માનવામાં આવે છે કે પ્રતિબંધો હોવા છતાં માદુરોની સરકારે વેનેઝુએલાનું તેલ વેચવા માટે નવી રીતો શોધી કાઢી છે. તેમાં સૌથી મહત્વની ભૂમિકા ‘ઘોસ્ટ ફ્લીટ’(Ghost Fleet) ની રહી છે. આ તેલ ટેન્કરોનું એવું જૂથ છે, જે પોતાના કામને છુપાવવા માટે ઘણી પ્રકારની રણનીતિઓનો ઉપયોગ કરે છે. ઘોસ્ટ ફ્લીટનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને તેનો ઉપયોગ માત્ર વેનેઝુએલા જ નહીં, પરંતુ પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી રહેલા અન્ય બે તેલ ઉત્પાદક દેશો, રશિયા અને ઈરાન પણ કરી રહ્યા છે.
ફાઇનાન્સ ઈન્ટેલિજન્સ ફર્મ એસએન્ડપી ગ્લોબલનો અંદાજ છે કે વિશ્વના દર પાંચમાંથી એક તેલ ટેન્કરનો ઉપયોગ પ્રતિબંધિત દેશોમાંથી તેલની હેરાફેરી (તસ્કરી) માટે કરવામાં આવે છે. આમાંથી 10 ટકા ટેન્કર માત્ર વેનેઝુએલાનું તેલ લઈ જાય છે, 20 ટકા ઈરાનનું તેલ, અને 50 ટકા સંપૂર્ણપણે રશિયાના તેલ માટે સમર્પિત છે. બાકીના 20 ટકા કોઈ એક દેશ સાથે જોડાયેલા નથી અને અનેક દેશોનું તેલ લઈ જઈ શકે છે. તેલ પર પ્રતિબંધ લગાવવાનો હેતુ જ એ છે કે દેશો કે કંપનીઓ પ્રતિબંધિત દેશો પાસેથી કાચું તેલ ન ખરીદે અને ન તો તેનો વેપાર કરે. જો કોઈ કંપની કે દેશ વેનેઝુએલા જેવા પ્રતિબંધિત દેશ પાસેથી તેલ ખરીદતા પકડાય છે, તો અમેરિકા તેમના પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.
પ્રતિબંધિત દેશો પોતાનું તેલ ભારે ડિસ્કાઉન્ટ (વળતર) પર વેચે છે, જેના કારણે કંપનીઓ કે દેશો આ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. ત્યારબાદ તેઓ તેલની અસલી ઓળખ છુપાવવા માટે અલગ-અલગ યુક્તિઓ અજમાવે છે. સૌથી સામાન્ય રીત એ છે કે આ જહાજો વારંવાર પોતાનું નામ કે ઝંડો બદલે છે, ક્યારેક તો મહિનામાં ઘણી વખત. ઉદાહરણ તરીકે, આ બુધવારે જપ્ત કરવામાં આવેલું ટેન્કર ‘ધ સ્કીપર’ કહેવાય છે. આ તેલના ભંડારો પર અમેરિકાની નજર પહેલાથી જ છે.
જો કે, હાલના આ રાષ્ટ્રપતિ તેમની કોઇ વાત માનતા નહીં હોવાથી તે અમેરિકાની નજરમાં કાંટાની જેમ ખૂંચી રહ્યાં છે અને હવે તો અમેરિકાએ આ દેશ પર હુમલો કરીને તેના રાષ્ટ્રપતિને કેદ કરી લીધા છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથેના ફોન ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમણે માદુરોને પકડવા માટેના સમગ્ર ઓપરેશનને લાઈવ જોયું. તેમણે સૈન્ય જનરલ સાથે રૂમમાં બેસીને આ બધું જોયું. ટ્રમ્પે કહ્યું કે આ ઓપરેશન ટીવી શો જોવા જેવું હતું. વિશ્વનો બીજો કોઈ દેશ આવું મિશન પાર પાડી શક્યો ન હોત. ટ્રમ્પે કહ્યું કે સૈન્યએ મજબૂત સ્ટીલના દરવાજા તોડીને થોડીક સેકન્ડોમાં અંદર પ્રવેશ કર્યો અને માદુરોને પકડી લીધા. તેમણે એમ પણ કહ્યું કે આખું ઓપરેશન અત્યંત મુશ્કેલ હતું અને જનરલો દરેક ક્ષણથી વાકેફ હતા.
બધું યોજના મુજબ થયું છે. તો બીજી તરફ બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે કહ્યું છે કે તેઓ વેનેઝુએલામાં યુએસ લશ્કરી કાર્યવાહી અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરશે. સ્ટાર્મરે કહ્યું, “હું હંમેશા માનું છું કે બધા દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જોઈએ.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બ્રિટન આ હુમલામાં કોઈપણ રીતે સામેલ નહોતું. જો કે વાત જે હોય તે જગતજમાદારે ફરી એક વખત તેનું ધારેલું કરીને તેલનો ખેલ પાર પાડી દીધો છે.