ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરવા માટે અસ્ટ્રાઝેનેકાએ ભારતના પૂના સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(એસઆઇઆઇ) સાથે કરાર કર્યા છે અને વિશ્વના આ સૌથી મોટા રસી ઉત્પાદક સિરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જ યુકેને પણ આ રસીના ડોઝિસની નિકાસ કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં ભારત સરકારે એસઆઇઆઇ પર નિકાસ અંગે મૂકેલા નિયંત્રણને કારણે યુકેમાં આ રસીની તંગી સર્જાઇ છે અને ત્યાં રસીકરણનું કાર્ય ધીમું પડી ગયું છે અને નિયંત્રણો ઉઠાવી લેવામાં આવે તે માટે બ્રિટિશ સરકાર ભારત સરકાર સાથે ગુપ્ત રીતે વાતચીત કરી રહી છે એમ જાણવા મળે છે.
બ્રિટનમાં રસીની તંગી સર્જાવાને કારણે રસીકરણનું કામ ધીમુ પડી ગયું છે અને આને કારણે અહીં પ૦ વર્ષથી નીચેની વયના લોકોએ રસી માટે રાહ જોવી જ પડશે એમ જાણવા મળે છે. યુકેના આરોગ્ય મંત્રી મેટ હેનકોકે જાહેર કર્યું છે કે ૨૯મી માર્ચથી રસીકરણનું કાર્ય ધીમું પડી જશે. તેમણે સાંસદોને જણાવ્યું હતું કે યુકેમાં આ રસીના ડોઝની તંગી સર્જાવા માટેના પરિબળો પૈકી એક મહત્વનું પરિબળ ભારતથી આવતા રસીના ડોઝિસના જથ્થામાં વિલંબ છે. એમ જાણવા મળે છે કે ઘરઆંગણે રસીના વધુ ડોઝ મળી રહે તે માટે ભારત સરકારે હાલ આ રસીની નિકાસ કરવાની મનાઇ સિરમ ઇન્સ્ટિટ્યુટને કરી દીધી છે અને તેને કારણે એસઆઇઆઇ દ્વારા હાલ નિકાસ કરવામાં આવતી નથી. યુકે સરકાર આ બાબતે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે. બ્રિટિશ વડાપ્રધાન આવાસ તરફથી બીજી બાજુ એમ જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રસી નિકાસ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો નથી અને સિરમ ઇન્સ્ટિટ્યુટ સાથે ઑક્સફર્ડના સંબંધોનો અંત આવી ગયો છે એમ માનવાની જરૂર નથી.