વેપારીઓને ચાઇનીઝ દોરી અને તુક્કલ ન વેચવા કડક સૂચના આપવામાં આવી.


(પ્રતિનિધિ), વડોદરા. તા. 4
વડોદરા :- ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં તેનું ગુપ્ત વેચાણ ન થાય તે હેતુથી આજે શહેરના મુખ્ય પતંગ બજાર એવા માંડવી વિસ્તારમાં વાડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફની ટીમે માંડવી ખાતે આવેલ પતંગ બજારમાં દુકાને-દુકાને ફરીને વેપારીઓને તપાસ્યા હતા. આ ચેકિંગ દરમિયાન કાયદાના અમલની સાથે સાથે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. પોલીસ ટીમે પતંગ અને દોરાનું વેચાણ કરતા તમામ વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચાઇનીઝ દોરી (સિન્થેટિક કે નાયલોનની દોરી) અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ ન કરવા માટે કડક સૂચના આપી હતી. વેપારીઓને ચેતવણી આપવામાં આવી હતી કે આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા પકડાશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ચાઇનીઝ દોરી પર્યાવરણ અને મનુષ્યો તેમજ પશુ-પક્ષીઓ માટે અત્યંત ઘાતક સાબિત થઈ છે, જેને કારણે તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાડી પોલીસની આ પહેલથી વેપારીઓમાં કાયદાના પાલન અંગે જાગૃતિ ફેલાઈ છે અને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ રોકવામાં મદદ મળશે. પોલીસ દ્વારા ઉત્તરાયણ સુધી આ પ્રકારનું ચેકિંગ અને જાગૃતિ અભિયાન શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રાખવામાં આવશે.