મારી કંપની, મારો કાયદો” કહી શ્રમિકોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી અપાતી હોવાનો આક્ષેપ; તંત્રની ચુપકીદી સામે સવાલ


વડોદરા સ્થિત ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) માં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા શ્રમિકો સાથે અન્યાય થતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. શ્રમિકોના ઓવરટાઈમના કલાકો કાપી નાખવામાં આવતા હોવાના આક્ષેપ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક શ્રમિક સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે, કંપનીમાં કામ કરતા શ્રમિકોના ઓવરટાઈમ કાપવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. શ્રમિકે પોતાના અને અન્ય સાથીદારોના ઓવરટાઈમના કલાકો કાપવામાં આવ્યા હોવાના પુરાવા પણ દર્શાવ્યા છે. એટલું જ નહીં, વીડિયોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે શ્રમિકો પોતાના હક માટે રજૂઆત કરે છે, ત્યારે તેમને “સોમવારથી કામે આવવાની જરૂર નથી” તેવી ધમકીઓ આપી નોકરીમાંથી છૂટા કરી દેવાનું કહેવામાં આવે છે.
વીડિયોમાં સાંભળવા મળતી વિગતો મુજબ, જવાબદાર વ્યક્તિઓ દ્વારા “મારી કંપની, મારો કાયદો” કહીને શ્રમિકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની જોહુકમી સામે શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જીએસએફસી જેવી મોટી કંપનીમાં કોન્ટ્રાક્ટ શ્રમિકોના હિતોનું રક્ષણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હવે આ મામલે જવાબદાર અધિકારીઓ અને તંત્ર જાગે અને શ્રમિકોને તેમના મહેનતાણાના પૂરેપૂરા નાણાં મળે તે માટે યોગ્ય તપાસ કરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.