Gujarat

બારડોલીને ‘સેટેલાઇટ ટાઉન’ બનાવવા અર્બન પ્લાનર્સને આમંત્રણ

ગાંધીનગર: વર્ષ-2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતનાં દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, પીએમ નરેન્દ્ર મોદીએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ ગુજરાતમાં ઓક્ટોબર 2025માં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ-2030 સુધીમાં આ શહેરોમાં મહાનગરો જેવી સુવિધાઓ વિકસિત કરીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આયોજન છે, જેથી મોટા શહેરો પરથી ભારણ ઘટાડી શકાય.

શહેરી વિકાસ વર્ષ-2025માં ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો મંત્ર સાકાર કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આગામી બે મહિનામાં કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેઓ એક વર્ષની અંદર શહેરો માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને રજૂ કરશે.

શું છે સેટેલાઇટ ટાઉન?
સેટેલાઇટ ટાઉન એટલે મોટા શહેર અથવા મહાનગરની નજીક સ્થિત એવું શહેર જ્યાં મોટા શહેરથી એક કલાકમાં પહોંચી શકાય છે. આવાં શહેરોની ઓળખ કરીને તેમને આર્થિક રીતે ધમધમતા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર ભારણ ઘટે અને આ શહેરોમાં રોજગારીની નવી તકો ખૂલે. આ શહેરોમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક કેન્દ્રીત સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.

શું છે સેટેલાઇટ ટાઉનમાં વિકસિત થનારી સુવિધાઓ?
સેટેલાઇટ ટાઉનમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવ્યવસ્થિત જાહેર પરિવહન સુવિધા (ઇલેક્ટ્રિક બસ સુવિધા સાથે), પાણી પુરવઠો અને વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિંગ રોડ, અર્બન ફોરેસ્ટ પાર્ક, સુંદર તળાવ, મોડેલ ફાયર સ્ટેશન અને મિક્સ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઓફિસ, ઘર, દુકાનો બધુ નજીકમાં)નું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધાઓની કામગીરીને ઝડપથી અમલી બનાવવા માટે મંજૂરી તેમજ દેખરેખ સમિતિની રચના કરવામાં આવી છે.

Most Popular

To Top