( પ્રતિનિધિ )વડોદરા,તા.3
વર્ષ 2026 ની શરૂઆત ખગોળપ્રેમીઓ અને વિજ્ઞાન રસિકો માટે યાદગાર રહેવાની છે. આજે શનિવારે 3 જાન્યુઆરીએ અવકાશમાં એક વિરલ ખગોળીય ઘટના જોવા મળશે. આ દિવસે વર્ષની પ્રથમ પૂર્ણિમા એટલે કે વુલ્ફ મૂન રાત્રિના આકાશમાં ચમકશે અને સાથે જ પૃથ્વી સૂર્યની સૌથી નજીક પહોંચશે.
જાન્યુઆરી મહિનામાં આવતી પ્રથમ પૂર્ણિમાને પશ્ચિમી દેશોમાં અને ખગોળશાસ્ત્રમાં વુલ્ફ મૂન તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે. પ્રાચીન સમયમાં, શિયાળાની કડકડતી ઠંડીમાં ઉત્તર ગોળાર્ધમાં ખોરાકની શોધમાં નીકળેલા વરુઓનો અવાજ રાત્રે વધુ સાંભળવા મળતો હતો. આ કારણોસર જાન્યુઆરીની પૂનમને વુલ્ફ મૂન નામ આપવામાં આવ્યું હતું. આ રાત્રે ચંદ્ર પૃથ્વીની તુલનાત્મક રીતે નજીક હોવાથી તે સામાન્ય કરતાં કદમાં મોટો અને વધુ તેજસ્વી દેખાશે. જો આકાશ સ્વચ્છ હશે, તો ટેલિસ્કોપ વિના પણ નરી આંખે આ અદ્ભુત નજારો માણી શકાશે. વુલ્ફ મૂન ઉપરાંત 3 જાન્યુઆરીની રાત્રે બીજી એક મહત્વપૂર્ણ ભૌગોલિક ઘટના બનશે. ભારતીય સમય અનુસાર રાત્રે 10:45 વાગ્યે પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં ફરતી વખતે સૂર્યની સૌથી નજીક પહોંચી જશે. વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને પેરિહેલિયન કહેવામાં આવે છે. આ સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ઘટીને આશરે 147,099,894 કિલોમીટર થઈ જશે. પેરિહેલિયન દરમિયાન પૃથ્વીની પરિભ્રમણ ગતિ સૌથી ઝડપી એટલે કે 30.27 કિલોમીટર પ્રતિ સેકન્ડ રહેશે. આનાથી વિપરીત સ્થિતિ એફિલિયન જ્યારે પૃથ્વી સૂર્યથી સૌથી દૂર હોય છે. જે 6 જુલાઈ, 2026 ના રોજ સર્જાશે.

સુપર મૂનને કારણે દરિયામાં ઘણી મોટી ભરતી આવવાની સંભાવના પૂરેપૂરી રહેશે :
આજનો પોષી પૂનમનો ચંદ્રમાં સુપર મૂન છે, પહેલી તારીખે ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક હતો અને આજે પૂર્ણિમા માતા અંબા ના પ્રાગટ્ય દિવસે ચંદ્રમાં ખૂબ નજીક આવી ગયો છે. તેને કારણે તે સામાન્ય કરતાં વધારે પ્રકાશિત અને વધારે મોટો દેખાશે. સુપર મૂનને કારણે દરિયામાં ઘણી મોટી ભરતી આવવાની સંભાવના પૂરેપૂરી રહેશે. એટલે માછીમારો એ દરિયો ખેડતી વખતે સાવધ રહેવું ખૂબ જરૂરી છે .બીજી અગત્યની વાત કે આજે સૂર્યથી પૃથ્વી ખૂબ જ નજીક છે. ફક્ત 14 કરોડ 70 લાખ કિલોમીટર દૂર છે, તેને કારણે સૂર્ય પણ આપણને ત્રણ ટકા મોટો અને 7% વધારે તેજસ્વી લાગશે. સૂર્ય નજીક હોવા છતાં આપણે ત્યાં ઠંડી હશે કારણ કે આપણો ઉત્તર ગોળાર્ધ સૂર્યથી દૂરની દિશામાં નમેલો છે. એટલે હજી 15 થી 20 દિવસ સુધી ઠંડી રહેવાની ખૂબ જ સંભાવના જણાઈ રહી છે. :
દિવ્ય દર્શન પુરોહિત,ખગોળવીદ,ગુરુદેવ વેધશાળા