Editorial

તારીખ પે તારીખ… ક્યારે ન્યાય મળશે? દેશની વિવિધ કોર્ટોમાં 5.41 કરોડ કેસ પેન્ડિંગ!

તારીખ પે તારીખ… જો ન્યાય ઝડપથી મળે તો જ તેનો અર્થ હોય છે. મોડેથી મળતો ન્યાય એ ન્યાય નથી રહેતો. વિલંબ ન્યાયના ખરા હકદારને તેનો હક આપતો નથી. આ સત્ય હકીકત હોવા છતાં પણ હાલમાં દેશમાં એવી સ્થિતિ છે કે અદાલતોમાં 5.41 કરોડ કેસ પેન્ડિંગ છે. જો આટલા બધા કેસ પેન્ડિંગ હોય તો સમયસર ન્યાય મળવાની આશા ધુંધળી થઈ જાય છે.

આટલા બધા કેસને કારણે બંધારણીય સંકટની સ્થિતિ પેદા થઈ જવા પામી છે. આટલા બધા કેસ એ ન્યાયતંત્ર માટે મોટો પડકાર પણ છે. ગત તા.28મી ડિસે., 2025 સુધીમાં નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના ડેટા મુજબ, નીચલી અદાલતો, હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં કુલ 54.1 મિલિયન કેસ પેન્ડિંગ છે. દેશની નીચલી અદાલતોમાં 47.6 મિલિયન કેસ પેન્ડિંગ છે. જેમાંથી 36. મિલિયન કેસ ફોજદારી બાબતોના છે. જ્યારે બાકીના કેસ સિવિલ કેસ છે.

જો કેસની સંખ્યા જોવા જઈએ તો યુપીની નીચલી અદાલતોમાં 11.6 મિલિયન કેસ પેન્ડિંગ છે. જ્યારે દિલ્હીની નીચલી અદાલતોમાં 15.85 લાખ કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં 91892 કેસ પેન્ડિંગ છે. રાજ્યની હાઈકોર્ટોમાં 63.67 લાખ કેસ પેન્ડિંગ છે. જેમાંથી 19.1 લાખ કેસ ફોજદારી અને 44.65 લાખ કેસ સિવિલ બાબતોના છે. જોકે, આ પેન્ડિંગ કેસની સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં 1, હાઈકોર્ટોમાં 297 અને નીચલી કોર્ટમાં 4855 જેટલી ન્યાયાધીશની જગ્યા ખાલી છે. જ્યારે આટલી બધી જગ્યાઓ ખાલી હોય તો પેન્ડિંગ કેસની સંખ્યા વધે તે સ્વાભાવિક છે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ જે કેસ પેન્ડિંગ છે તેમાં મોટો ભાગ ખાસ રજા અરજીઓનો છે. જે સેવા બાબતો, જમીન વિવાદો અને સામાન્ય નાગરિક અને ફોજદારી અપીલોને સંબંધિત છે. ખરેખર આ કેસનો નિકાલ હાઈકોર્ટ સ્તરે જ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા જો ચાર દિશામાં ચાર કાયમી ઝોનલ બેન્ચની સ્થાપના કરવામાં આવે તો કેસની સંખ્યા જરૂરથી ઘટાડી શકાય તેમ છે. જો તેમ થાય તો અરજદારને નજીકમાં જ સુપ્રીમ કોર્ટનો લાભ મળી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જ્યારે શપથ લીધા ત્યારે જ તેમણે તેમની પ્રાથમિકતા કેસના ભરાવાના ઘટાડવાની જણાવી હતી.

દેશની અદાલતોમાં મોટાપાયે કેસોના ભરાવા પાછળ જજોની ઓછી સંખ્યાની સાથે સાથે કેટલાક એવા પણ મહત્વના મુદ્દા છે કે જો તેની પર ધ્યાન આપવામાં આવે તો ઉકેલ આવી શકે તેમ છે. જો દિવસની સાથે ઈવનિંગ કોર્ટ પણ શરૂ કરવામાં આવે તો કેસનો ઝડપથી નિકાલ કરી શકાય તેમ છે.  સાથે સાથે જ્યાં જરૂરી નહીં હોય ત્યાં વિડીયો કોન્ફરન્સથી સુનાવણી કરવામાં આવે તો પણ સુનાવણી ઝડપથી થઈ શકે તેમ છે. આ ઉપરાંત શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની કોર્ટોમાં જે કેસની સંખ્યાની વિસંગતતાઓ છે તે સંદર્ભે પણ નિર્ણયો લેવાની જરૂરીયાત છે.

શહેરોની કોર્ટોમાં કેસોની સંખ્યા ખૂબ હોય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની કોર્ટોમાં કેસોની સંખ્યા ખૂબ ઓછી હોય છે. જો દરેક કોર્ટમાં કેસની સંખ્યા સરખી રાખવામાં આવે. જ્યાં જરૂરી છે ત્યાં નવી કોર્ટ ખોલવામાં આવે અને જ્યાં કેસ ઓછા છે ત્યાં કોર્ટ બંધ કરવામાં આવે તો કેસોના નિકાલને સરળ બનાવી શકાય તેમ છે. કોર્ટમાં કેસ પ્રમાણે ટાઈમ શિડ્યુઅલ પણ નક્કી કરી શકાય તેમ છે. જેથી પક્ષકારો અને વકીલો તે જ સમયે તે કોર્ટમાં હાજર રહે. આમ કરવામાં આવે તો પણ સુનાવણીને ઝડપી બનાવી શકાય તેમ છે.

Most Popular

To Top