ચંદ્ર સાથે જોડાયેલી યોગિક અને ધ્યાનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ઉપસ્થિત સાધકોને અનોખો આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થયો
વડોદરા: યોગ અને પ્રાકૃતિક ચેતનાના સમન્વય સાથે યોગનિકેતનમાં તારીખ ૩૧ ડિસેમ્બરની રાત્રિએ એક અતિ વિશેષ અને અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચંદ્ર સાથે જોડાયેલી યોગિક અને ધ્યાનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ઉપસ્થિત સાધકોને અનોખો આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમની શરૂઆત વૈજ્ઞાનિક અને જિજ્ઞાસાપૂર્ણ અભિગમ સાથે ટેલિસ્કોપ દ્વારા ચંદ્રદર્શનથી કરવામાં આવી હતી. સ્પષ્ટ આકાશમાં ચંદ્રના વિવિધ ખાડા અને આકારોને નજીકથી જોવાની તક મળતા ઉપસ્થિતોમાં ઉત્સાહ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.

ત્યારબાદ શારીરિક અને માનસિક સંતુલન માટે ચંદ્ર નમસ્કારનું આયોજન કરાયું હતું. કુલ ૧૫ આસનોના સમૂહ સાથે ૧૫ આવર્તન કરવામાં આવ્યા, જેમાં સાધકોને શ્વાસ, ગતિ અને ચેતનાનો સમન્વય અનુભવો મળ્યો હતો. આ ક્રિયાએ મનમાં શાંતિ અને શરીરમાં ઊર્જાનો સંચાર કર્યો હતો.

આ પછી ચંદ્ર ત્રાટક દ્વારા દૃષ્ટિની એકાગ્રતા અને આંતરિક શાંતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિઃશબ્દ વાતાવરણમાં ચંદ્ર પર સ્થિર નજર રાખી સાધકોને ધ્યાનની ઊંડાણમાં લઈ જવાયા હતા. અંતે ચંદ્ર ધારણા દ્વારા મનને સ્થિર કરી ભાવનાત્મક સંતુલન અને શીતળતાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાધકોમાં ઊંડો શાંતિભાવ, પ્રાકૃતિક જોડાણ અને આંતરિક આનંદ અનુભવાયો હતો. યોગનિકેતનમાં યોજાયેલો આ ચંદ્ર સાધનાનો કાર્યક્રમ ઉપસ્થિત તમામ માટે સ્મરણિય બની રહ્યો.