વડોદરા : શહેરના ગ્રામ્ય વિસ્તાર સેવાસી ખાતે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ઑટો રિક્ષાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેના પરિણામે તેમાં સવાર અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ઑટો રિક્ષા સેવાસી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રિક્ષાના ચાલકે કોઈક કારણોસર વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતાની સાથે જ ઑટો રિક્ષા રોડ પર પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટી જતાં અંદર બેઠેલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને રિક્ષામાંથી બહાર કાઢીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતનું ચોક્કસ કારણ અંગે જાણવા માટે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.