માંડવી દરવાજાના રિનોવેશન સહિત ડ્રેનેજ અને રોડ પ્રોજેક્ટના કામો હવે યુદ્ધના ધોરણે શરૂ થશે
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સાપ્તાહિક બેઠક શુક્રવારે યોજાઈ હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસને વેગ આપતા કુલ 22 જેટલા કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય શહેરની શાન સમાન ઐતિહાસિક માંડવી દરવાજાના નવીનીકરણનો લેવામાં આવ્યો છે. અંદાજે 4 કરોડ 96 લાખ રૂપિયાના ખર્ચે આ હેરિટેજ સ્ટ્રક્ચરનું રિસ્ટોરેશન અને રિનોવેશન કરવામાં આવશે.
વડોદરાની ઓળખ ગણાતા માંડવી દરવાજાના જાળવણી માટે હેરિટેજ સેલ દ્વારા મૂકવામાં આવેલી દરખાસ્તને મંજૂરી મળી છે. 4 કરોડ 96 લાખના ખર્ચે આ દરવાજાનું મૂળભૂત સ્થાપત્ય જળવાઈ રહે તે રીતે સમારકામ કરવામાં આવશે. લાંબા સમયથી આ ઐતિહાસિક ઈમારતનું સમારકામ જરૂરી હતું, જે હવે ટૂંક સમયમાં શરૂ થશે.
દર અઠવાડિયે મળતી આ બેઠકમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અટકેલા કામો અને નવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તમામ 22 કામોની મંજૂરી બાદ હવે વિવિધ શાખાઓ ટેન્ડરિંગ અને કામગીરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. સમિતિના આ નિર્ણયથી શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય ઝોનના વિકાસ કામોને ગતિ મળશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપી હતી.
વિકાસલક્ષી કામોનો ધમધમાટ…
મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી 22 દરખાસ્તો પર ચર્ચા-વિચારણાના અંતે સમિતિએ તમામ કામોને બહાલી આપી છે. આ કામોમાં શહેરના પાયાના માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે:
*રોડ પ્રોજેક્ટ શાખા: નવા રસ્તાઓ અને પેચ વર્કની કામગીરી.
*ડ્રેનેજ અને વરસાદી ગટર: ચોમાસા પૂર્વે અને ડ્રેનેજ લાઈનોના અપગ્રેડેશનના કામો.
*પાણી પુરવઠા શાખા: પીવાના પાણીની લાઈનો અને વિતરણ વ્યવસ્થા સુધારવી.
ટાઉન ડેવલોપમેન્ટ અને *જમીન મિલકત શાખા: વહીવટી અને મિલકત સંબંધી દરખાસ્તો.