Vadodara

ગોરવામાં મોતના કાળ બનીને આવેલી કારે વોકિંગ પર નીકળેલા બે વયોવૃદ્ધ મિત્રોને ઉડાવ્યા!​


બરોડા સ્કાય ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત: એક વૃદ્ધની હાલત અત્યંત ગંભીર, હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ

વડોદરા શહેરમાં બેફામ દોડતા વાહનોએ વધુ એકવાર નિર્દોષ નાગરિકોને અડફેટમાં લીધા છે. શહેરના ગોરવા વિસ્તારમાં સાંજના સમયે વોકિંગ કરવા નીકળેલા બે સિનિયર સિટીઝન મિત્રોને એક પૂર ઝડપે આવતી કારે પાછળથી ટક્કર મારતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં બંને વૃદ્ધોને ઈજાઓ પહોંચી હતી, જેમાં એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા નીલકંઠ ટેનામેન્ટમાં રહેતા રાજેશભાઈ વિશાવેએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ, તેમના પિતા સુદામણ વિશાવે અને તેમના મિત્ર વસંત તાનાજીભાઈ તેમજ અન્ય એક મિત્ર નારાયણ વિજયભાઈ સાંજના સમયે રાબેતા મુજબ વોકિંગ કરવા માટે નીકળ્યા હતા.
​જ્યારે તેઓ બરોડા સ્કાય ચાર રસ્તા પાસે આવેલા બાંકડા પર બેસીને પરત ફરી રહ્યા હતા, ત્યારે લક્ષ્મીપુરાથી ગોરવા ITI તરફ જતા રોડ પર પાછળથી પૂરઝડપે ધસી આવેલી એક કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને સુદામણભાઈ તથા વસંતભાઈને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મિત્રો રોડ પર ફંગોળાયા હતા. કાર ચાલકે માનવતા દાખવી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના મારફતે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
​સુદામણ વિશાવે, ગંભીર ઈજાઓને કારણે હાલ બોલી શકે તેવી સ્થિતિમાં નથી. ​વસંત તાનાજીભાઈ, તેમને પણ શરીરના ભાગે ઈજાઓ પહોંચી છે, હાલ તેઓ સ્થિર છે.
​ઘટનાની જાણ થતા જ પુત્ર રાજેશભાઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વસંતભાઈની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. ગોરવા પોલીસે આ મામલે ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top