National

ચીન બલુચિસ્તાનમાં સૈન્ય બળ વધારી રહ્યું છે, બ્લુચ નેતાએ ભારતના વિદેશમંત્રીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

બલુચિસ્તાનના એક અગ્રણી નેતાએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને ખુલ્લો પત્ર લખીને પ્રદેશમાં ઊભી થઈ રહેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે આવનારા સમયગાળામાં ચીન બલુચિસ્તાનમાં પોતાની સૈન્ય હાજરી વધારી શકે છે. જેનાથી સમગ્ર પ્રદેશની સુરક્ષા વ્યવસ્થામાં બદલાવ આવી શકે છે.

બલુચ નેતા મીર યાર બલોચે આજે 1 જાન્યુઆરી 2026ના રોજ લખેલા પત્રમાં પોતાને બલુચિસ્તાનના પ્રતિનિધિ તરીકે રજૂ કરતાં કહ્યું છે કે જો બલુચ સંરક્ષણ અને મુક્તિ દળોની ભૂમિકા અને ક્ષમતાઓને સતત અવગણવામાં આવશે તો ચીન માટે ત્યાં વધુ સક્રિય થવાની શક્યતાઓ ઊભી થઈ શકે છે. તેમના મતે આવી પરિસ્થિતિ ભારત માટે પણ વ્યૂહાત્મક દૃષ્ટિએ ચિંતાજનક બની શકે છે.

પત્રમાં જણાવાયું છે કે બલુચિસ્તાનના લાખો લોકોની સંમતિ વિના જો ચીની સૈનિકો આ પ્રદેશમાં સ્થાયી થાય તો તે બલુચિસ્તાનની સ્વાયત્તતા સાથે સાથે આસપાસના દેશોની સુરક્ષા પર પણ અસર કરી શકે છે. મીર યાર બલોચે કહ્યું કે આવી સ્થિતિ પ્રદેશમાં તણાવ વધારવાની શક્યતા ધરાવે છે.

ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) મુદ્દે પણ બલુચ નેતાએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચેનો વ્યૂહાત્મક સહયોગ હવે એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યો છે. જેમાં આર્થિક પ્રોજેક્ટ્સ સાથે સૈન્ય પાસાં પણ જોડાઈ રહ્યા છે. આ પરિવર્તન બલુચિસ્તાન માટે સંવેદનશીલ સ્થિતિ ઊભી કરી શકે છે.

મીર યાર બલોચે ભારત અને બલુચિસ્તાન વચ્ચે વધુ સંવાદ, સહયોગ અને સમજણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમના કહેવા મુજબ બંને પક્ષો સામે ઉભા પડકારો વાસ્તવિક છે અને તેને સમયસર સમજીને આગળ વધવું જરૂરી છે.

પત્રના અંતમાં તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ અને દ્રઢ વલણ પ્રાદેશિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ સંકેત છે.

Most Popular

To Top