પાલિકાની સ્થાયી સમિતિમાં રિસ્ટોરેશનની દરખાસ્ત રજૂ: જરજરીત કોલમ અને તિરાડોનું નિષ્ણાતોની દેખરેખ હેઠળ સમારકામ થશે



વડોદરા સંસ્કારી નગરી વડોદરાની શાન અને ઐતિહાસિક ધરોહર સમાન માંડવી દરવાજાના રિસ્ટોરેશન અને રિનોવેશનની કામગીરી આખરે શરૂ થવા જઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક સ્થાપત્યને સાચવી રાખવા માટે રિસ્ટોરેશનની દરખાસ્ત મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.


માંડવી દરવાજાના નવીનીકરણ માટે અંદાજિત 4 કરોડ 20 લાખ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આ કામગીરી માટે 18% વધુ ભાવ સાથે અંદાજે ₹4 કરોડ 96 લાખથી વધુના ખર્ચે ઇજારદારને કામ સોંપવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે.
આ જટિલ કામગીરી માટે સુરતની જાણીતી એજન્સી ‘મોદી અસોસિએટ’ પાસે ટેકનિકલ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં માંડવી દરવાજાના મૂળ બાંધકામમાં વપરાયેલા મટીરિયલ અને નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક વિગતવાર અંદાજ તૈયાર કરાયો છે. ઐતિહાસિક મટીરિયલ અને બાંધકામની શૈલી જળવાઈ રહે તે રીતે આ તમામ કામગીરી કરવામાં આવશે.
વડોદરાના આ ઐતિહાસિક સ્થળને નવું જીવન મળવાની આશાથી શહેરના હેરીટેજ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
શા માટે રિસ્ટોરેશન જરૂરી છે?
શહેરની મધ્યમાં આવેલો માંડવી દરવાજો હેરીટેજ વારસા તરીકે ખૂબ જ મહત્વ ધરાવે છે. લાંબા સમયથી આ સ્ટ્રક્ચરના અમુક ભાગો જરજરીત હાલતમાં હતા:
*કોલમમાં નુકસાન: માંડવી દરવાજાના કુલ 16 કોલમ પૈકી નૈરત્ય દિશામાં ગેન્ડીગેટ અને ન્યાયમંદિર કોર્નર તરફ આવેલો એક કોલમ અત્યંત જરજરીત થયો છે.
*તિરાડો: આ કોલમ નબળો પડવાને કારણે ઉપરના ભાગની કમાન અને સ્લેબના ભાગે મોટી તીિરાળો જોવા મળી છે.
*તાત્કાલિક પગલાં: અગાઉ સુરક્ષાના ભાગરૂપે એમ.એસ. સ્ટ્રક્ચરલ સેક્શન દ્વારા નુકસાન પામેલા કોલમને ટેકો આપીને એનકેસિંગ અને કોન્ક્રીટ વડે સપોર્ટ કરવામાં આવ્યો હતો.