Business

બારીયાની હથોડ ગામને સુખસરના બદલે ફતેપુરા તાલુકામાં જ સમાવવાનો આદેશ

સ્થાનિકોની રજૂઆત માન્ય રાખતા સરકારનો નિર્ણય
(પ્રતિનિધિ) સુખસર, તા. 2
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવા તાલુકાઓની રચના કરવામાં આવી હતી, જેમાં કેટલાક ગામડાઓને નવા તાલુકામાં સમાવતાં સ્થાનિક સ્તરે અસંતોષ જોવા મળ્યો હતો. આવી જ સ્થિતિમાં બારીયાની હથોડ ગામને ફતેપુરા તાલુકામાંથી વિભાજન કરીને સુખસર તાલુકામાં સમાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે સ્થાનિક નાગરિકોની વ્યાપક રજૂઆતને પગલે સરકાર દ્વારા હવે બારીયાની હથોડ ગામને ફરી ફતેપુરા તાલુકામાં જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ અગાઉ ફતેપુરા તાલુકામાં કુલ 96 ગામડાઓનો સમાવેશ હતો. નવા તાલુકાની રચના દરમિયાન ફતેપુરા તાલુકામાંથી 47 જેટલા ગામડાઓને અલગ કરીને નવીન સુખસર તાલુકામાં સમાવાયા હતા. આ પ્રક્રિયામાં બારીયાની હથોડ ગામને પણ સુખસર તાલુકામાં સમાવાયું હતું. પરંતુ વહીવટી, સામાજિક અને ભૌગોલિક કારણોસર આ નિર્ણય સ્થાનિકોને અનુકૂળ ન લાગતાં તેમણે કૃષિ મંત્રી, સાંસદ સભ્ય સહિત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
સ્થાનિકોની રજૂઆત અને લાગણીઓને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે બારીયાની હથોડ ગામને ફતેપુરા તાલુકામાં જ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે હવે સુખસર તાલુકામાં કુલ 46 ગામડાઓનો વહીવટ રહેશે તેવી મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હોવાનું જણાવાય છે.
બારીયાની હથોડ ગામને ફરી ફતેપુરા તાલુકામાં સામેલ કરવાનો નિર્ણય લેવાતા ગ્રામજનોમાં સંતોષ અને આનંદ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ સરકાર દ્વારા તેમની માંગણીને માન્ય રાખવામાં આવી હોવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

રિપોર્ટર : બાબુભાઈ સોલંકી

Most Popular

To Top