Vadodara

ભારત–ન્યુઝીલેન્ડ મેચમાં સતત બીજા દિવસે ટિકિટ સોલ્ડ આઉટ

BCAના “વહીવટ” સામે ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 2
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીએ યોજાનારી India vs New Zealand ODI મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ ટિકિટ વ્યવસ્થાને લઈને Baroda Cricket Associationના અણઘડ આયોજનથી ચાહકોમાં નિરાશા અને રોષ ફેલાયો છે. સતત બીજા દિવસે પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ ગણતરીની મિનિટોમાં ‘સોલ્ડ આઉટ’ બતાવાતા અનેક સવાલો ઊભા થયા છે.


કોટંબી સ્ટેડિયમમાં રમાનારી આ વનડે મેચ માટે ₹1,000, ₹2,000, ₹5,000 અને ₹7,500ની ટિકિટો નક્કી કરવામાં આવી હતી. ગુરુવારે સવારે 11 વાગ્યે ઓનલાઇન બુકિંગ શરૂ થતાં જ થોડા સમયમાં ‘સીટ નોટ સિલેક્ટેડ ડ્યુ ટુ ફુલ’નો મેસેજ જોવા મળ્યો હતો. બીજા દિવસે શુક્રવારે પણ સવારે 11 વાગ્યે હજારો ક્રિકેટ ચાહકો મોબાઇલ અને લેપટોપ સાથે બુકિંગ માટે જોડાયા, પરંતુ ફરી એકવાર ગણતરીની મિનિટોમાં ટિકિટ સોલ્ડ આઉટ બતાવાતા ચાહકોમાં ભારે અસંતોષ ફેલાયો.
BCA દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે અંદાજે 33 હજાર જેટલી ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. જોકે માહિતી મુજબ ગુરુવારે 9,879 અને શુક્રવારે 6,640 એમ કુલ 16,719 ટિકિટો જ સામાન્ય ક્રિકેટ ચાહકો માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે. 33 હજાર બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં બાકીની ટિકિટો કોર્પોરેટ બોક્સ, BCCI તથા BCAના સભ્યો અને શુભેચ્છકો માટે રાખવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ટિકિટ ન મળતા ચાહકોમાં રોષ વધ્યો છે. ગત રોજ વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા BCA હાઉસ ખાતે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે ઓફલાઇન ટિકિટ વેચાણ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
એક તરફ ભારત–ન્યુઝીલેન્ડ જેવી હાઈ-પ્રોફાઇલ મેચને લઈને શહેરમાં ઉત્સાહ છે, ત્યારે બીજી તરફ BCAના આયોજનને કારણે ક્રિકેટપ્રેમીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top