લગ્નને લઈને બંને વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. સચિનને રેખાના અન્ય સાથે સંબંધ હોવાની શંકા પણ હતી.
પ્રતાપનગર રેલવે કોલોનીમાં દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી
વડોદરા, તા. 2
વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોની વિસ્તારમાં રહેતા મંગેતર યુવકની તેની જ મંગેતરે હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લગ્ન બાબતે ચાલતા ઝઘડાના પગલે યુવતીએ મોડીરાતે યુવક ઊંઘમાં હતો ત્યારે દુપટ્ટા વડે ગળું દબાવી ઠંડા કલેજે હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પીએમમાં ખુલ્યો હત્યાનો ભેદ
પ્રારંભમાં ઘટનાને કુદરતી મોત તરીકે બતાવવાનો પ્રયાસ થયો હતો. જોકે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા ગળાના ભાગે દબાણના નિશાન મળ્યા હતા. આ ઇજાના નિશાનો પરથી દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું, જેના પગલે મંગેતર યુવતી રેખા રાઠવા સામે હત્યાનો ગુનો નોંધાયો.
પ્રેમસબંધથી સગાઈ સુધીની કહાની
છોટાઉદેપુર તાલુકાના રોઝકુવા ગામના સચિન રાઠવા અને રેખા રાઠવા વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. બંને પરિવારોની સંમતિથી સગાઈ પણ થઈ હતી. રેખાને તેના પિતાના અવસાન બાદ રેલવેમાં નોકરી મળતાં તે પ્રતાપનગર રેલવે ક્વાર્ટર્સમાં રહેતી હતી, જ્યાં સચિન પણ અવારનવાર રહેવા આવતો હતો.
શંકા, બોલાચાલી અને અંતિમ રાત
લગ્નને લઈને બંને વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. સચિનને રેખાના અન્ય સાથે સંબંધ હોવાની શંકા પણ હતી. 29 ડિસેમ્બરની રાત્રે ફરી ઝઘડો થયો અને બાદમાં સચિન ઊંઘી ગયો. આ દરમિયાન રેખાએ મોકો જોઈ દુપટ્ટા વડે ગળું દબાવી તેની હત્યા કરી.
ખોટું નાટક અને પોલીસ કાર્યવાહી
હત્યાને કુદરતી મોત તરીકે દેખાડવા રેખાએ મોડીરાતે બૂમાબૂમ કરી આસપાસના લોકોને બોલાવ્યા અને સચિનને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેને મૃત જાહેર કરાયો. રેખાએ રડવાનું નાટક પણ કર્યું, પરંતુ પીએમ રિપોર્ટથી સત્ય બહાર આવ્યું. મૃતકના પિતા ગણપતભાઈની ફરિયાદના આધારે પોલીસે રેખા રાઠવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.