મેચની ટિકિટની ફાળવણી ઓફલાઈન મોડમાં ફરીથી શરૂ કરવા NSUIની માંગ
માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ મોટા પાયે આંદોલન કરી બીસીએનો ઉગ્ર વિરોધ કરશેની ચીમકી ઉચ્ચારી




( પ્રતિનિધિ )વડોદરા,તા.1
કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી આંતરરાષ્ટ્રીય વનડે મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થતાની સાથે જ તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હોવાની જાણ થતા ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. બરોડીયનો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના હોદ્દેદારો દ્વારા બીસીએ હાઉસ ખાતે પહોંચી પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો અને મેચની ટિકિટની ફાળવણી ફરીથી શરૂ કરવા માંગણી કરી હતી.
આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરા નજીક આવેલા કોટંબી બીસીએના સ્ટેડિયમમાં આ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ઓડીઆઈ ક્રિકેટ મેચ રમાશે. લાંબા સમય બાદ વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેન્સ ક્રિકેટ મેચ યોજાતી હોવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. જોકે, ગુરુવારે સવારે મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવી હતી. બુકિંગ શરૂ થતાં જ મોટી સંખ્યામાં દર્શકો વેબસાઈટ પર ટિકિટ મેળવવા માટે લોગીન થયા હતા. જોકે માત્ર પાંચ મિનિટમાંજ ટિકિટો સોલ્ડ આઉટ દર્શાવાતા ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. એમ.એસ.યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, જે મેચ રમવા જઈ રહી છે તે માટેની ટિકિટની શરૂઆત 11:00 વાગે ઓનલાઈન બુક માય શો પર કરવામાં આવી, જે ફક્ત 10 મિનિટમાં જ તેની તમામ ટિકિટોની વહેંચણી પૂર્ણ થઈ ગઈ હતી. જેમાં વડોદરાના લોકો જે વર્ષોથી મેચ જોવાની રાહ જોઈ રહ્યા હતા, તેવા નગરજનોને ટિકિટ મળી નથી, સાથે સાથે કોઈપણ પ્રકારનું રિઝર્વેશન આપવામાં આવ્યું નથી અને તેઓની માટે કોઈ ખાસ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી ન હતી. જેથી ટિકિટ મેળવી શક્યા નથી. બીજી બાજુ ઓફલાઈન ટિકિટની પણ શરૂઆત બીસીએ દ્વારા કરવામાં આવી ન હતી. ત્યારે, વહેલી તકે ટિકિટની ફાળવણીની શરૂઆત કરવામાં આવે અને ઓફલાઈન મોડમાં પણ ટિકિટનું રજીસ્ટ્રેશન કરવામાં આવે અને નગરજનો માટે ખાસ રિઝર્વેશન આપવામાં આવે, જો આગામી દિવસમાં આ માંગણી બીસીએ દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ મોટા પાયે આંદોલન કરી બીસીએનો ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.