વડોદરામાં ‘વેલકમ 2026’: ફાર્મમાં ડીજેના તાલે ગુંજ્યું ‘હેપ્પી ન્યૂ યર’, ઝૂમી ઉઠી સંસ્કારી નગરી




સમગ્ર દેશની સાથે સંસ્કારી નગરી વડોદરામાં પણ નવા વર્ષ 2026ના આગમનને ખૂબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી વધાવવામાં આવ્યું હતું. વડોદરાના જાણીતા અલગ અલગ ફાર્મ તથા કેફે ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 31મી ડિસેમ્બરની રાત્રે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવા વર્ષને આવકારવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ શહેરના બહારના ભાગે આવેલા ફાર્મ ખાતે ઉમટી પડ્યા હતા. રાત્રિના સમયે ડીજેના ધબકારા અને રંગબેરંગી રોશની વચ્ચે યુવાધન તેમજ પરિવારો મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને લાઈટિંગના સથવારે લોકોએ જૂના વર્ષને વિદાય આપી હતી અને નવા વર્ષના સ્વાગતમાં ગીતોના તાલે ઝૂમ્યા હતા.
જેમ જેમ ઘડિયાળનો કાંટો રાત્રિના 12ના ટકોરે પહોંચવા આવ્યો, તેમ લોકોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. 12 વાગતાની સાથે જ ‘હેપ્પી ન્યૂ યર’ના નાદ સાથે સમગ્ર ફાર્મ ગાજી ઉઠ્યું હતું. ઉપસ્થિત લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારું વર્ષ સુખ-શાંતિ લાવે તેવી પ્રાર્થના કરી હતી.
અલગ અલગ ફાર્મ ખાતેની આ ઉજવણીમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ બાળકો અને વડીલો પણ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત આયોજન વચ્ચે લોકોએ નિર્ભયતાથી નવા વર્ષની ઉજવણીનો આનંદ માણ્યો હતો. વડોદરાવાસીઓમાં જોવા મળતો આ ઉત્સાહ સાબિત કરે છે કે શહેર હંમેશા કોઈપણ ઉત્સવને મન ભરીને માણવામાં મોખરે રહે છે.