સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરેના તંત્ર પર પ્રહારો; ડ્રેનેજની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયેલા કાઉન્સિલરો સામે પ્રજામાં ભારે રોષ



વડોદરા સ્માર્ટ સિટી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સન ફાર્મા રોડ પરના કૃષ્ણનગર ભરવાડ વાસ માં છેલ્લા ઘણા સમયથી નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ જવાના કારણે ગંદા પાણી લોકોના ઘરો અને વોશરૂમમાં ઉભરાઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજનું દૂષિત પાણી મિશ્રિત થઈને આવતા વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસોમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.




સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી નળમાં આવતું પાણી અત્યંત દુર્ગંધ મારતું અને ગંદુ હોય છે. આ દૂષિત પાણીના વપરાશથી બાળકો અને વૃદ્ધો મોટા પ્રમાણમાં બીમાર પડી રહ્યા છે. અનેક લોકો ઝાડા-ઉલટીનો શિકાર બન્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા છે. રોગચાળો વકરવાની ભીતિ હોવા છતાં પાલિકાનું તંત્ર હજુ સુધી નિદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે.
માત્ર ડ્રેનેજ જ નહીં, પણ કૃષ્ણનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “વર્ષોથી અહીં પાકા રોડ બનાવવામાં આવ્યા નથી. રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે. અમે અનેકવાર વોર્ડ ઓફિસ અને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પણ અધિકારી કે નેતા અમારી પીડા સાંભળવા તૈયાર નથી.”
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, “જો અમને પાયાની સુવિધાઓ નહીં મળે, તો કોઈપણ પક્ષના ઉમેદવારે વોટ માંગવા આવવું નહીં.” સ્થાનિકોએ ઉમેર્યું હતું કે, “અમે અત્યાર સુધી ભાજપને સમર્થન આપતા આવ્યા છીએ, પરંતુ અમને બદલામાં માત્ર હાલાકી જ મળી છે. જે પક્ષ અમારું કામ કરશે, તેને જ અમે વોટ આપીશું. સુવિધા નહીં તો વોટ નહીં.”
વિસ્તારના આગેવાન અને સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરેએ આ મામલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વડોદરાને ‘સ્માર્ટ સિટી’ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તાંદલજાના ભરવાડ વાસમાં લોકો ગંદકીમાં જીવવા મજબૂર છે અને તંત્રને તેની કોઈ પડી નથી. જો વહેલી તકે ડ્રેનેજ લાઈન રિપેર કરવામાં નહીં આવે અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કૃષ્ણનગરના રહીશોનો આક્રોશ ચરમસીમાએ!…
“અમે વર્ષોથી ટેક્સ ભરીએ છીએ અને ભાજપને વોટ આપતા આવ્યા છીએ, પણ બદલામાં અમને મળી છે માત્ર ગંદકી અને બીમારી. અમારા બાળકો ગંદા પાણીના કારણે હોસ્પિટલના ખાટલે છે. જો પાલિકા તંત્ર અને નેતાઓ અમને પીવાનું શુદ્ધ પાણી અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ ન આપી શકતા હોય, તો આગામી ચૂંટણીમાં નેતાઓએ આ વિસ્તારમાં પગ મૂકવો નહીં. અમારો સ્પષ્ટ સંદેશ છે: જે કામ કરશે, તેને જ વોટ મળશે!”