Vadodara

31st Night: વડોદરાની સયાજી હોસ્પિટલમાં પ્રોહિબિશનના 45 અને માર્ગ અકસ્માતના 19 કેસ નોંધાયા

ઉજવણી વચ્ચે ખાખીની લાલ આંખ; પીધેલાઓના બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં લાઈનો લાગી

વડોદરા શહેરમાં વર્ષ 2025ને વિદાય અને નવા વર્ષ 2026ને આવકારવા માટે યોજાયેલી ઉજવણી કેટલાક લોકો માટે મુશ્કેલીભરી સાબિત થઈ છે. શહેરમાં 31 ફર્સ્ટની રાત્રે દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા અને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા અનેક લોકો સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા.
શહેરમાં ઠેર-ઠેર ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને ઘરોમાં આયોજિત પાર્ટીઓ પર પોલીસની કડક નજર હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં અનેક લોકો ઝડપાયા હતા. પોલીસ દ્વારા કુલ 45 જેટલા લોકોને પ્રોહિબિશનના કેસ હેઠળ બ્લડ ટેસ્ટ અને તપાસ માટે SSG હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
માર્ગ અકસ્માતમાં 19 લોકો ઈજાગ્રસ્ત
નવા વર્ષની રાત્રે શહેરમાં બનેલી વિવિધ અકસ્માતની ઘટનાઓમાં 19 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
SSG હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, “31મી ડિસેમ્બરની રાત્રે હોસ્પિટલમાં પ્રોહિબિશનના 45 કેસ તપાસ માટે આવ્યા હતા. આ ઉપરાંત, રોડ ટ્રાફિક એક્સિડન્ટના 19 કેસ નોંધાયા હતા. તમામ દર્દીઓને જરૂરી સારવાર અને સલાહ આપીને રજા આપવામાં આવી છે, કારણ કે મોટાભાગના દર્દીઓની સ્થિતિ સ્થિર હતી.”
આમ, વડોદરામાં પોલીસની સતર્કતાને કારણે નશાખોરો સામે લાલ આંખ કરવામાં આવી હતી, તો બીજી તરફ અકસ્માતની ઘટનાઓએ ઉજવણીના રંગમાં ભંગ પાડ્યો હતો.

Most Popular

To Top