SURAT

સુરત : કાપડ માર્કેટમાં કોઈપણ માસ્ક વગર દેખાશે તો દુકાન સીલ : વેપારી સંગઠનોના અગ્રણીઓની મીટિંગ

સુરત: શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો(CORONA CASES)ને લીધે મનપા (SMC) દ્વારા અન્ય રાજ્યોથી આવનારાઓને સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન (QUARANTINE) રાખવાની જાહેરાત કરાતાં વેપારીઓ પરેશાન થઇ ગયા છે. વેપારીઓએ આ નિર્ણયમાં ફેરબદલ કરવા માટે ગુરુવારે મનપા કમિશનર (MUNICIPAL COMMISSIONER) સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તમામ વેપારી સંગઠનોના અગ્રણી વેપારીઓની મીટિંગ રાખવામાં આવી હતી.

સુરત મર્કન્ટાઇલ એસોસિએયેશન(SURAT MERCANTILE ASSO)ના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, મીટિંગમાં વેપારીઓએ મનપા કમિશનર સમક્ષ સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન કરવાના નિર્ણયમાં થોડી છૂટછાટ આપવાની માંગ કરી હતી. જો કે, મનપા કમિશનરે હાલ કોરોનાના કેસો સતત મોટી સંખ્યામાં વધી રહ્યા હોવાથી છૂટછાટ આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, મનપા કમિશનરે વેપારીઓને વધુ એક કાયદાનું પાલન કરવા માટે રોકડું પરખાવી દીધું હતું. તેમણે કહ્યું કે, કોરોના પર અંકુશ માટે તમામ લોકોને મનપાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, માર્કેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. તેથી તમામ લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ જોઇએ. જો કોઇ દુકાનમાં લોકો માસ્ક વગર દેખાશે તો દુકાન સીલ કરવામાં આવશે.

માર્કેટની મુલાકાત વખતે પાલિકા કમિશનરને માસ્ક પહેર્યા વિનાના વેપારીઓ દેખાતાં દુકાન સીલ કરાઈ

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે મીટિંગમાં મનપા કમિશનર બપોરે માર્કેટમાં પ્રવેશ કરી રહ્યા હતા. ત્યાં એક દુકાનમાં વેપારી અને અમુક લોકો માસ્ક વગર દેખાતાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીને બોલાવી દુકાન સીલ કરાવી હતી અને વેપારીને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, જે કોઇ વેપારીઓ માસ્ક વિના દેખાશે તેની સામે દંડ ઉપરાંત દુકાન બંધ કરવા સુધીની શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

રાત્રિ કરફ્યૂને લીધે બહારગામ પાર્સલ મોકલવામાં પરેશાની

સુરતમાં રાતના 10 વાગ્યેથી સવારે 6 વાગે સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં આવતાં વેપારીઓ માટે મુશ્કેલીઓ શરૂ થઇ ગઇ છે. એકબાજુ વેપાર પર અસર પડી રહી છે અને બીજી બાજુ જે ઓર્ડર મળ્યા છે તેનાં પાર્સલો પણ ટ્રાન્સપોર્ટ સુધી પહોંચાડવામાં મુશ્કેલી થઇ રહી છે. કાપડ માર્કેટમાં પોલીસના પરિપત્રને લીધે માર્કેટમાં ટેમ્પોચાલકો અને કામદારો 10 વાગ્યા પછી પાર્સલો ટ્રાન્સપોર્ટ લઇ જાય છે. પરંતુ રાત્રિ કરફ્યૂને લીધે તેમને પાર્સલ લઇ જતાં અટકાવવામાં આવી રહ્યા છે. જેને લીધે ફોસ્ટાએ પોલીસ કમિશનરને ટેમ્પો પ્રવેશનો સમય બદલવાની માંગ કરી છે.

બહારગામ જતા અને આવતા વેપારીઓ માટે ક્વોરન્ટાઇન નિયમની સ્પષ્ટતા આજે કરાશે

ફોસ્ટા સહિતનાં સંગઠનોએ પાલિકા કમિશનરને ક્વોરન્ટાઇનના નિયમો સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ભારતથી વેપારીઓ સેમ્પલના આધારે ઓર્ડર આપવા માટે સુરત એક દિવસ માટે રોકાય છે. તેમને સાત દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવશે તો બહારગામના વેપારીઓ આવતા બંધ થઇ જશે. ઉપરાંત સુરતના વેપારીઓ ઉઘરાણી માટે અન્ય રાજ્યોમાં એક-બે દિવસ માટે જતા હોય છે. જો તેઓ સુરત પરત ફરે તો તેમણે પણ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે કે કેમ? તે બાબતને લઇ ગૂંચવાડો ઊભો થયો છે. પાલિકા કમિશનરે આવતીકાલે સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડવા જણાવ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top