છેલ્લા બે દાયકામાં સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતી આબાદી ૩૮ ટકાથી ઘટીને ૫ ટકા સુધી પહોંચી.
સુરતની જ તર્જ પર રાજ્યના અન્ય નગરો-મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે ચીફ સેક્રેટરી એમ કે દાસને સૂચના આપી
૭૦ લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર રહયુ છે. હવે સુરતની તર્જ પર રાજયના અન્ય શહેરોમાં કામગીરી કરવા માટે સીએમ બૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મળેલી કેબીનેટ બેઠકમાં વહીવટી તંત્રના સીનીયર અધિકારીઓને સીચના આપી છે.
કેબીનેટ પ્રવકત્તા અને સીનીયર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ ૨૦૦૬માં સુરતની લગભગ ૩૮ ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી.ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ વિસ્તાર ઘટાડવા વડાપ્રધાનએ છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને ૫ ટકા સુધી પહોંચી છે. જેથી સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને સુરત રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બને તેવા સાનુકૂળ સંજોગો ઊભા થયા છે.
વાઘાણીએ કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સાનુકૂળ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેરને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ચર્ચા-વિચારણા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા માટે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.
સુરત શહેર જો આ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તો સુરત ભારતનું પ્રથમ મોટું સ્લમ ફ્રી શહેર બનશે. જોકે, ચંદીગઢ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેની વસ્તી લગભગ ૧૦ લાખ છે. જેની સરખામણીમાં, સુરતની વસ્તી આશરે ૭૦ થી ૮૦ લાખ છે, જે આ સિદ્ધિને વ્યાપ અને જટિલતાની દ્રષ્ટિએ વધુ નોંધપાત્ર બનાવશે, તેમ વાઘાણીએ જણાવ્યું હતું.બેઠકમાં મુખ્યમંત્રીએ સુરતની જ તર્જ પર તબક્કાવાર રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં અત્યારથી જ પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી હતી, તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.