ગાંધીનગર: વિધાનસભામાં વિપક્ષના દંડક કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપશે, તેવા સવારથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે સાંજે અંત આવ્યો હતો. રાજીનામું આપી દેવાની ચીમકી આખરે નાટક પુરવાર થઈ હતી. કિરીટ પટેલે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા સાથે ફોન પર વાત કરી હતી, તેના પગલે હવે રિસાયેલા કિરીટ પટેલ આખરે માની ગયા છે અને રાજીનામું આપવાનો નિર્ણય પરત લઈ લીધો છે.
વિધાનસભા ખાતે કોંગીના ધારાસભ્ય કિરીટ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ કોઈ પ્રેશર ટેકનિક નહોતી, પરંતુ પક્ષમાં થયેલી કેટલીક નિમણૂકો બાબતે વિરોધ હતો. 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમના વિરુદ્ધ કામ કરનારા લોકોને પ્રદેશ કક્ષાએ હોદ્દા આપવામાં આવ્યા હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી. થોડા સમય પહેલાં રાધનપુરમાં મારી સામે વિરોધ કરનાર વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત અનુસૂચિત જાતિ સેલમાં નિમણૂક કરવામાં આવી છે તે લોકોએ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં મારા વિરુદ્ધ કામ કર્યુ હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અમારી પાસે રિપોર્ટ માગતાં અમે જેના નામ આપ્યા હતા તેમને જિલ્લા પંચાયતના સભ્ય બનાવી દીધા છે. મારી વિરુદ્ધ કામગીરી કરનારા લોકોને પ્રદેશમાં હોદ્દા આપી દીધા છે. જે યોગ્ય નથી. આ બાબતથી નારાજ થઈને મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. કિરીટ પટેલે વધુમાં કહયું હતું કે તેમણે ઉમેર્યુ કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ તમામ મુદ્દાઓ પર યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. પાર્ટીમાં ખાનગી રિપોર્ટ માગતાં તેમણે સંબંધિત લોકોના નામ આપ્યા હોવાનું જણાવ્યું છે. પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ત્યારે નામ જાહેર કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દંડક પદે રાજીનામું આપવા વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ વિધાનસભામા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીના કાર્યાલયમાં પહોંચ્યા હતા. જોકે, તુષાર ચૌધરી કાર્યાલયમાં ગેરહાજર જોવા મળ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયમાંથી ડો.કિરીટ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પટેલે માંગ કરી હતી કે મારી વિરૂદ્ધ કામ કરનારા લોકોને પાર્ટીના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ. અમીત ચાવડા સાથે ફોન પર વાતચીત કર્યા બાદ કોંગીના ધારાસભ્ય કિરીટ પટેલ માની ગયા હતા, અને તેમણે રાજીનામું આપવાનું માંડી વાળ્યું હતું.